રાજકોટમાં ગૃહકંકાસે લીધો હતો મહિલા પોલીસકર્મીનો ભોગ, પતિ અને સાસુ સામે ‘મરવા મજબૂર કરવા’નો ગુનો નોંધાયો…

રાજકોટઃ શહેરમાં થોડા દિવસ પહેલા મહિલા પોલીસકર્મીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. આ કેસમાં પોલીસ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે મહિલા પોલીસકર્મીને તેના પતિ અને સાસુ તરફથી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જણાતા, પોલીસે મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
મૃતક મહિલા પોલીસકર્મી હર્ષિતાબેનની માતા ગંગાબેન વિનોદભાઈ ધૂળા (રહે. રાજકોટ, મૂળ જામજોધપુર) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં હર્ષિતાબેનના પતિ હર્ષ મનુ ભારડીયા અને સાસુ ચંપાબેન મનુ ભારડીયાનું નામ આરોપી તરીકે આપવામાં આવ્યું હતું.
ફરિયાદ મુજબ, ગંગાબેનની સૌથી મોટી દીકરી હર્ષિતાબેનના લગ્ન 8 વર્ષ પહેલા જૂનાગઢના હર્ષ ભારડીયા સાથે થયા હતા. હર્ષિતાબેન તેમના પતિ અને 6 વર્ષના પુત્ર સાથે કોઠારીયામાં સીલ્વર સ્પેસ નામના ફ્લેટમાં રહેતા હતા અને છેલ્લા બે વર્ષથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા.
થોડા દિવસ પહેલા હર્ષિતાબેને ઘરે ઝેરી દવા પી લીધી હતી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તા. 07 ઓક્ટોબરના રોજ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હર્ષિતાબેને આપઘાત કરતા પહેલા તેના માતાને જણાવ્યું હતું કે, તેનો પતિ હર્ષ તેની સાસુ વારંવાર ઝઘડો કરે છે અને માર મારે છે.
વળી, આ ત્રાસથી કંટાળીને તે અગાઉ પણ પાંચેક વખત રિસામણે આવી હતી. સતત મળતા ત્રાસથી કંટાળીને તેમણે અંતે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ ફરિયાદના આધારે આજીડેમ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચો…“તું તારી” થી વાત: રાજકોટ ભાજપમાં આંતરિક ડખો: મેયર-ધારાસભ્ય આમને-સામને!