જેતપુરમાં લેન્ડગ્રેબિંગની અરજીમાં મહિલાએ બોગસ દસ્તાવેજો રજૂ કરતા ગુનો નોંધ્યો
રાજકોટઃ જેતપુરની એક મહિલા દ્વારા લેન્ડગ્રેબિંગની એક અરજી કરવામાં આવી હતી. જે અંગેની રાજકોટ કલેક્ટરમાં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટિની બેઠકમાં દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. જેમાં મહિલાએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ હોવાનું જણાઇ આવતા જેતપુર મામલતદારે ફરિયાદી મહિલા સામે જ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટરમાં ઓનલાઈન અરજી કરી:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેતપુરના મામલતદારની ફરિયાદને આધારે જેતપુર રહેતી રાધાગૌરી રાદડિયાએ રાજકોટ જિલ્લા કલેક્ટરમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં ભૂષણ જોગીએ તેની જમીન પચાવી પાડ્યાનું જણાવ્યું હતું.
રજૂ કરેલા જરૂરી દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં ખુલ્યું:
આ મામલે ભૂષણ જોગી સામે ફરિયાદ દાખલ કરવા માટે નિર્ણય પણ લેવાયો હતો અને જેતપુર સીટી પોલીસ મથકમાં તેની સામે ગુનો પણ નોંધાયો હતો. આ બાબતે અરજી કરનાર રાધાગૌરી રાદડિયાએ રજૂ કરેલા જરૂરી દસ્તાવેજો અંગે ચકાસણી કરતા રાધાગૌરીએ પોતાની જે જમીનના દસ્તાવેજોમાં લેઆઉટ પ્લાન રજૂ કર્યો હોય તે દસ્તાવેજો બોગસ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
અધિકારીએ પૂન:ચકાસણી કરી
આ અંગે 18મી જૂન 24ના રોજ કલેક્ટર ખાતે મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીએ પૂન: ચકાસણી કરી અહેવાલ રજૂ કરતા રાધાગૌરીએ રજૂ કરેલા લેઆઉટ પ્લાનમાં વિસંગતતા જોવા મળી હતી અને ખોટુ રેકોર્ડ ઉભુ કરીને લેન્ડગ્રેબિંગની ખોટી અરજી કરી ફરિયાદ કરી હતી. આ મામલે પ્રાંત અધિકારી દ્વારા અરજદાર રાધાગૌરી સામે ફરિયાદ કરતા હુકમ કરતા જેતપુર મામલતદારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.