રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ઝડપાઈ, લાખોનો મુદામાલ કરાયો જપ્ત

રાજકોટઃ રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજબેન ડોડિયા નામની મહિલાને એસઓજી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે સોનોગ્રાફી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ 2021માં પોલીસે આ મહિલાને ઝડપી હતી. ત્યારે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મહિલા ફરીવાર ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી હોવાનું ધ્યાને આવતાં છેલ્લા એકાદ માસથી એસઓજીની ટીમ તેની ખરાઈ કરી રહી હતી. આખરે માહિતી પાકી હોવાની ખાતરી થતાં જ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી.
મહિલા કૉન્સ્ટેબલે સ્વાંગ રચી આરોપી મહિલાને રંગે હાથે ઝડપી
નોંધનીય છે કે, આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી એક ખરેખર હાલ સર્ગભા છે જયારે બીજી મહિલા કોન્સ્ટેબલે તેની બહેનનો સ્વાંગ રચ્યો હતો. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીકના 80 ફૂટના રોડ પર આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. આ કવાર્ટરમાં જ સરોજબેન ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી હતી. તેણે બંને મહિલા કોન્સ્ટેબલની ક્યા સ્થળેથી આવ્યા છો? કોણે રેફરન્સ આપ્યો? સહિતની રજે-રજની માહિતી મેળવી ખાત્રી કર્યા બાદ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના 18 હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના 20 હજાર કહ્યા હતા.
કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
આરોપી મહિલાએ સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે એસઓજીને જાણ કરતાં સરોજબેનને રંગેહાથ ઝડપી લેવાયા હતા. એસઓજીએ સ્થળ પરથી રૂપિયા 04 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન, ગર્ભ પરીક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલની બોટલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ 4.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજીએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસના મહાઅધિવેશનમાં પ્રિયંકા ગાંધી પર પાર્ટી થશે મહેરબાન! સૂત્રોએ કહ્યું – મોટી જવાબદારી મળશે
એક મહિલા આવું કામ કેવી રીતે કરી શકે?
કહેવાય છે કે, મહિલાઓ જ મહિલાઓના દુઃખને વધારે સારી રીતે સમજી શકે પરંતુ અહીં તો આ મહિલા ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતી હતી અને જો ગર્ભમીં દીકરી હોય તો ગર્ભપાત પણ કરતી હતી. આ મહિલાએ કેટલી માસૂમ દીકીરોની ગર્ભમાં જ હત્યા કરી હશે? આવી મહિલાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. એટલું જ નહીં પરંતુ ગર્ભ પરિક્ષણ કરવાવું એ પણ ગુનો બને છે. દીકરી હોય કે દીકરો બન્ને સમાન છે. જન્મ પહેલા જ દીકરી સાથે ભેદભાવ કરવો કેટલો યોગ્ય? દીકરીઓ પણ અત્યારે માતા પિતાનું નામ આગળ લાવે છે, જેથી દીકરીઓનું રક્ષણ કરવું આવશ્યક છે.