
રાજકોટઃ કેસર કેરી માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. હવામાનમાં પલટાના કારણે ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે ત્યારે કેસર કેરીના રસિયા માટે સારા સમાચાર છે. આ ઉનાળામાં કેરીના શોખીનોને શિયાળો હજુ પૂરો થાય તે પહેલા જ મોઢામાં પાણી લાવી દે તેવી કેસર કેરીનો સ્વાદ માણવા મળી શકે છે. ગુજરાતના મુખ્ય કેસર પટ્ટાના આંબાવાડિયામાં ડિસેમ્બરના અંત સુધીમાં વહેલું અને મજબૂત ‘ફ્લાવરિંગ’ (આંબા પર મોર આવવો) જોવા મળ્યું છે, જેનાથી એપ્રિલના મધ્ય સુધીમાં વહેલી લણણીની આશા જાગી છે.
60 ટકા મોર આવ્યો
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના આંબાવાડિયામાં લગભગ 60 ટકા આંબા પર મોર આવી ગયો છે. આ વર્ષે ઓક્ટોબર સુધી લંબાયેલા ચોમાસાને કારણે પાકને નુકસાન થવાની જે ભીતિ હતી, તે હવે દૂર થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે નવેમ્બરથી અત્યાર સુધીનું હવામાન પાક માટે ઘણું સાનુકૂળ રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, દિવસનું તાપમાન આદર્શ રહ્યું છે, પરંતુ ફળ બેસવા માટે હજુ થોડી વધુ ઠંડી રાતની જરૂર પડશે. જો જાન્યુઆરી મહિનો પણ સાનુકૂળ રહે અને માવઠું ન પડે, તો એપ્રિલના મધ્ય કે અંત સુધીમાં કેરી બજારમાં આવી જશે.
સામાન્ય રીતે આંબામાં મોર આવવાની પ્રક્રિયા નવેમ્બરના મધ્યથી શરૂ થઈ ફેબ્રુઆરીના અંત સુધી ચાલે છે. જે મોર જાન્યુઆરી સુધીમાં ફળમાં રૂપાંતરિત થઈ જાય છે, તેનો પાક વહેલો ઉતરે છે અને બજારમાં તેના પ્રીમિયમ ભાવ મળે છે. મે મહિનામાં જ્યારે આવક વધે છે ત્યારે ભાવ ઘટતા હોય છે, તેથી ખેડૂતો વહેલા પાકને વધુ પસંદ કરે છે.
કેસર કેરીની ખેતી ગુજરાતના 11 જિલ્લાઓમાં થાય છે, પરંતુ મુખ્ય ઉત્પાદન ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેન્દ્રિત છે. ગીર કેસરની મુખ્ય સીઝન સામાન્ય રીતે મે થી જૂનના અંત સુધી હોય છે. ગુજરાતમાં કેસર કેરીનું વાવેતર આશરે 40,000 હેક્ટર વિસ્તારમાં થાય છે. સરેરાશ વાર્ષિક ઉત્પાદન અંદાજે 2.80 લાખ મેટ્રિક ટન છે.
તાજેતરમાં પોરબંદરના માર્કેટયાર્ડમાં એક અનોખું કુતૂહલ સર્જાયું હતું.અમરેલીના ખાંભા પંથકમાંથી 10 કિલો કેસર કેરી પોરબંદર યાર્ડમાં આવી હતી. સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં કેસર કરી બજારમાં આવતી હોય છે, પરંતુ અત્યારે ડિસેમ્બરની ગુલાબી ઠંડીમાં કેસર કરી આવી હોવાથી કેરી રસિકોમાં આનંદ વ્યાપ્યો હતો. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાંથી આ ત્રીજી વખત 10 કિલો કેરીનો જથ્થો વેચાણ માટે આવ્યો હતો. પોરબંદરના માર્કેટયાર્ડમાં આ કેસર કેરીનો પ્રતિ કિલોએ 1151 રૂપિયા ભાવ બોલાયો હતો.



