રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યોઃ માતા અને બચ્ચાંઓનું રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ

રાજકોટઃ રાજકોટ શહેરનાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સફેદ વાઘણે 2 બાળ વાઘને જન્મ આપ્યો હતો. સફેદ વાઘ નર દિવાકર તથા માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસની ગર્ભાવસ્થાને અંતે 30 માર્ચે સાંજના સમયે 2 બાળ વાઘનો જન્મે થયો હતો. ઝૂનાં વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા અને બચ્ચાંઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મધ્ય પ્રદેશનું અદ્ભુત જંગલ: કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનચાલો કરીએ ડોકિયું ભારતના અદ્ભુત સાલનાં જંગલમાં!
30 માર્ચનાં રોજ સાંજના સમયે 2 બાળ વાઘનો જન્મ આપ્યો
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ ઉત્તમ સ્થળ બન્યું છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. વર્ષ 2014-15 દરમિયાન વન્ય પ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ (છતીસગઢ)ને સિંહની એક જોડી આપવામાં આવી હતી. જેના બદલામાં મૈત્રી બાગ ઝૂ, ભીલાઈ દ્વારા રાજકોટ ઝૂને સફેદ વાધ નર દિવાકર, સફેદ વાધણ યશોધરા અને સફેદ વાધણ ગાયત્રી આ૫વામાં આવ્યા હતા. સફેદ વાઘ નર દિવાકર અને માદા વાઘણ કાવેરીના સંવનનથી 105 દિવસના ગર્ભાવસ્થાને અંતે તારીખ 30 માર્ચનાં રોજ સાંજના સમયે બે બાળ વાઘનો જન્મ થયો હતો. સફેદ વાઘણ કાવેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ 4 બચ્ચાંને જન્મ આપી ઉછેર કરવામાં આવ્યો છે.
હવે સફેદ વાઘની સંખ્યા 10 થઈ ગઈ!
રાજકોટ ઝૂ ખાતે અત્યાર સુધીમાં કુલ 17 સફેદ બાળ વાઘનો જન્મ થયો છે. આ પૈકી 1 માદા વાઘ કાંકરિયા ઝૂ અમદાવાદ, 1 માદા સફેદ વાઘ છતબીર ઝૂ- પંજાબ, 1 માદા સફેદ વાઘ રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક- પૂના, 1 નર અને 1 માદા સફેદ વાઘ ઇન્દ્રોઘડા નેચર પાર્ક- ગાંધીનગર, 1 નર અને 1 માદા સફેદ વાઘ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, સુરત તેમજ 1 નર અને 1 માદા સફેદ વાઘ સક્કરબાગ ઝૂલોજીકલ પાર્ક, જુનાગઢને આપવામાં આવી ચૂક્યા છે. રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘબાળ–2નો જન્મ થતા સફેદ વાઘની સંખ્યા 10 થઈ છે. જેમાં નર-3, માદા-5 તથા બચ્ચા-2નો સમાવેશ થાય છે. ઉપરાંત હાલ ઝૂમાં જુદી જુદી 65 પ્રજાતિનાં કુલ 592 વન્યપ્રાણી-પક્ષીઓનું મુલાકાતીઓ નિદર્શન કરી શકે છે.