રમેશ ફેફરની આત્મહત્યાઃ મહાનતાનો ભ્રમ શું છે આ માનસિક બીમારી, જાણો વિગતવાર

રાજકોટઃ રાજકોટમાં રહેતા અને સરકારી નોકરી છોડી ચૂકેલા રમેશ ફેફરની આત્મહત્યાએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ફેફર પોતાની જાતને કલ્કી અવતાર કહેતા હતા અને હંમેશાં વિવાદોમાં રહેતા હતા. તેમણે હું દરિયો પી ગયો છું, સરકારે મારો પગાર નથી આપ્યો એટલે હું રાજ્યમાં દુષ્કાળ લાવી દઈશ વગેરે જેવી વાતો પણ કરી હતી. આજે અચાનક તેમણે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ફેફરનો પરિવાર તેમને છોડી ચાલ્યો ગયો હતો અને તેઓ એકલતાભર્યું જીવન જીવતા હતા. તેમની હરકતોને કારણે આડોશપાડોશમાં પણ તેમની સાથે વાતચીત કરનાર કોઈ ન હતું.
શું છે delusion of grandeur
રમેશ ફેફર જે બીમારીથી પીડાતા હતા તેને મનોવૈજ્ઞાનિક ભાષામાં મહાનતાના ભ્રમ એટલે કે delusion of grandeur તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના બાદ આ બીમારી વિશે ચર્ચા કરવી જરૂરી બની છે તો ચાલો જાણીએ બીમારી અને તેના ગંભીર પરિણામો વિશે.
વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની ખેંચતાણ
મહાનતાના ભ્રમથી પીડાતી વ્યક્તિ પોતાની કલ્પનાને જ સાચી દુનિયા માની લે છે. તેઓ પોતાને કોઈ મહાન શક્તિ, અવતાર, કે અત્યંત મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે જુએ છે. જ્યારે આ કલ્પના અને વાસ્તવિક દુનિયા વચ્ચે સતત સંઘર્ષ થાય, અને વાસ્તવિકતા તેમની કલ્પનાથી તદ્દન વિપરીત હોય, ત્યારે તેઓ ભારે હતાશા અને નિરાશા અનુભવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પોતાને કલ્કી અવતાર માનતી હોય અને જો કોઈ તેમને સામાન્ય કહે તો તેમની માટે આ સહન કરવું શક્ય નથી.
સામાજિક અવગણના
આવા દર્દીઓ સ્વાભાવિક રીતે અલગ તરી આવે છે અને તેઓ સમાજ સ્વીકાર્ય માનવામાં આવતા નથી. સમાજ તેમને ગંભીરતાથી લેતો નથી, જે તેમની માનસિક પીડામાં વધારો કરે છે. તેઓ અનુભવે છે કે કોઈ તેમને સમજી શકતું નથી. અંતે તેઓ એકલા પડી જાય પછી તેઓ નિરાશામાં ધકેલાઈ છે અને ક્યારેક આત્મહત્યા જેવા પગલાં પણ ભરી લે છે.
સારવારનો અભાવ
આ પ્રકારના રોગો, જેમ કે સ્કિઝોફ્રેનિયા માટે યોગ્ય માનસિક સારવાર અને દવાઓ અત્યંત જરૂરી છે. જો દર્દીને સમયસર અને યોગ્ય સારવાર ન મળે તો તેમની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં દરદી પોતાની જાતને જ ખૂબ જ મહાન માનતો હોય છે આથી પોતે બીમાર હોવાનું સ્વીકારતો જ નથી. તેને સારવારની જરૂર છે તે પરિવાર જો સમયસર સમજે તો તેને આ બીમારીમાંથી બહાર કાઢી શકાય.
આવી ઘટના બને ત્યારે સમજાય છે કે આ બીમારી કેટલું ગંભીર સ્વરૂપ લઈ શકે છે. માત્ર આ એક નહીં કોઈપણ માનસિક બીમારીના દરદી ભલે તમને સામાન્ય પણ લાગતા હોય, પંરતુ તેમના મનમાં અલગ જ પ્રકારનો દ્વંદ્વ ચાલતો હોય છે. જ્યારે પણ તમારા ઘર-પરિવારનો સભ્ય આવી કોઈ બીમારીના સંકેતો આપે ત્યારે તેનું કાઉન્સિલિંગ થાય અને તેને યોગ્ય તબીબી મદદ મળી રહે તે જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરોએ લોકોને આ મામલે સતર્ક રહેવા જણાવ્યું છે.
આ પણ વાંચો…શોકિંગઃ મહારાષ્ટ્રના મરાઠવાડમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ખેડૂતોની આત્મહત્યામાં વધારો