તરતું સોનું ઝડપાયું: રાજકોટમાં રૂ.50 લાખની વ્હેલની ઉલટી સાથે અમરેલીનો યુવક SOGના હાથે ઝડપાયો!

રાજકોટઃ આજીડેમ ચોકડી નજીકથી વ્હેલ માછલીની ઉલટી ઝડપાઈ હતી. શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી સાથે એક શખ્સ ઝડપાયો હતો. વ્હેલ માછલીની ઉલટીની કિંમત 49.80 લાખ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અમરેલીના બાબરાના કરિયાણા ગામના આરોપી પાસેથી 50.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપને ચોક્કસ બાતમી મળી હતી કે એક યુવક આજીડેમ ચોક નજીક એમ્બરગ્રીસ વેચવા માટે ગ્રાહક શોધી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે ત્યાં છાપો મારીને યુવકને એમ્બરગ્રીસના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તેને આ જથ્થો જીતુ કોળી નામના શખ્સે આપ્યો હતો. પોલીસે જપ્ત કરેલ એમ્બરગ્રીસની ખરાઈ કરવા માટે તેને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અધિકારીઓ પાસે તપાસ માટે મોકલી આપ્યું હતું.
પકડાયેલા યુવકનું નામ વિરમ બાવળિયા હોવાનું સામે આવ્યું હતું. વિરમ મૂળ અમરેલી જિલ્લાના કરિયાણા ગામનો રહેવાસી છે. તેની પાસેથી પોલીસે આશરે રૂ. 49.80 લાખની કિંમતનો એમ્બરગ્રીસનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. એમ્બરગ્રીસને સામાન્ય ભાષામાં ‘વ્હેલ માછલીની ઉલટી’ કહેવામાં આવે છે. આ એક અત્યંત મૂલ્યવાન પદાર્થ છે, જેને તરતું સોનું પણ માનવામાં આવે છે. તેનો ઉપયોગ મોંઘા અત્તરો (પર્ફ્યુમ્સ) બનાવવા માટે થાય છે.
ઉલ્લેખનીય છે કે, એમ્બરગ્રીસમાં એક અદ્ભુત ક્ષમતા છે જેના કારણે તે પર્ફ્યુમની સુગંધને લાંબા સમય સુધી જાળવી રાખે છે અને સુગંધને હવામાં ઝડપથી ઉડી જતી અટકાવે છે. તે પર્ફ્યુમમાં રહેલી અન્ય બધી સુગંધોને એકસાથે મિશ્રિત કરીને એક સંતુલિત અને અનન્ય સુગંધ બનાવવામાં મદદ કરે છે. જોકે એમ્બરગ્રીસ પોતે શરૂઆતમાં થોડી માટી જેવી કે દરિયાઈ ગંધ ધરાવે છે, પરંતુ સમય જતાં તે ખૂબ જ આકર્ષક સુગંધમાં પરિવર્તિત થાય છે, જે લક્ઝરી પર્ફ્યુમ્સમાં ખૂબ જ લોકપ્રિય છે.
આ પણ વાંચો…ભાવનગરમાંથી વ્હેલની 12 કરોડ રુપિયાની અંબરગ્રીસ (ઊલટી) પકડાઈ, બે જણ ઝડપાયા