ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કરી હતી પુત્ર સાથે અંતિમ વાતચીત, પુત્રીને મળવા જવાનું હોવાથી ખુશ હતા

રાજકોટ : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 12 જુલાઈના રોજ એક મહિનો પૂર્ણ થયો છે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ દુર્ઘટનાને એક માસ પૂર્ણ થતા શનિવારે રાજકોટમાં સ્વ. વિજય રૂપાણીની પ્રથમ માસિક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તેમના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ પિતા સાથે થયેલી અંતિમ વાતચીત પણ યાદ કરી ભાવુક થયા હતા.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના બે મહિના પૂર્વે બોઈંગ કોકપિટમાં બેઠા હતા વિજય રૂપાણી, ફોટા વાયરલ
ચહેરા પર એક પુત્રીને મળવા જવાનો ઉત્સાહ દેખાતો હતો
આ દરમિયાન સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીને જયારે પિતા સાથેની અંતિમ વાતચીત અંગે પૂછવામાં આવ્યું ત્યારે તે ભાવુક થયા હતા. તેમજ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં સવાર સાંજ વિડિયો કોલથી વાત કરવાની આદત હતી.
આ દિવસે સવારે પિતા સાથે વાત થઈ હતી. તે પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. બહેનના ઘરે માતાજીની સ્થાપના હતી. તેની પૂજા માટે સામાન ખરીદીને પેક કરી રહ્યાં હતા. તેમના ચહેરા પર એક પુત્રીને મળવા જવાનો ઉત્સાહ જોવા મળતો હતો તે ખુબ જ ખુશ હતા.
આપણ વાંચો: પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન, રાજકોટ હિબકે ચડ્યું
મારી બે વર્ષની પુત્રી રેવા સાથે પિતાને ખાસ લગાવ હતો : ઋષભ
આ ઉપરાંત ઋષભે જણાવ્યું હતું કે, મારી બે વર્ષની પુત્રી રેવા સાથે પિતાને ખાસ લગાવ હતો. તેમજ મારી પુત્રી તેમનો ફોન આવતો ત્યારે તે ફોન ઉપાડીને વાત કરતી હતી. તે દિવસે પણ રેવા સાથે પણ વાત થઈ હતી.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે પ્રથમ માસિક પુણ્યતિથિ પર હું 260 દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરું છું. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન આ દુઃખની ઘડીમાં દરેકને શક્તિ અર્પે.