વાઇબ્રન્ટ ગુજરાતનું ‘ડબલ એન્જિન’ સૌરાષ્ટ્ર-કચ્છમાં! જાન્યુઆરી ૨૦૨૬માં રાજકોટ બનશે બીજી રિજનલ કોન્ફરન્સનું યજમાન

રાજકોટ: ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરી રહી છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે. બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે, જેનું આયોજન જાન્યુઆરી 2026માં રાજકોટમાં થશે.
ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ એ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફરન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફરન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે.
બીજી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન રાજકોટ શહેરમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે. આ કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફરન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. આ કાર્યક્રમમાં MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર સેલર મીટ (RBSM), અને વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર યોજાશે, જે સહભાગીઓને નેટવર્કિંગ અને પાર્ટનરશિપ માટે ઉત્તમ તકો પ્રદાન કરશે. આ ઉપરાંત, ડિસેમ્બર 2025માં અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
કચ્છ–સૌરાષ્ટ્રમાં વિકાસ, રોકાણને પ્રોત્સાહન
કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ તેની ભૌગોલિક વિવિધતા, સાંસ્કૃતિક વારસો અને વિકસતા અર્થતંત્ર માટે જાણીતો છે. કચ્છ-સૌરાષ્ટ્રનું વ્યૂહાત્મક સ્થાન અને કંડલા–મુન્દ્રા જેવા મહત્વના બંદરો લોજિસ્ટિક્સ, વેપાર અને ગ્રીન શિપિંગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રદેશ પેટ્રોકેમિકલ, સિરામિક અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં અગ્રેસર છે, જેને મજબૂત માળખાગત સુવિધાઓ અને નવીનતા-આધારિત પહેલોનો ટેકો મળ્યો છે. એટલું જ નહીં, અહીંનું આધ્યાત્મિક અને હેરિટેજ ટુરિઝમ આ પ્રદેશની પરંપરાઓને જીવંત રાખે છે, સાથે સાથે વ્યવસાય અને વિકાસને પણ ટેકો આપે છે.
કચ્છ અને સૌરાષ્ટ્રની VGRC માટેના મુખ્ય ક્ષેત્રોમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માછીમારી, પેટ્રોકેમિકલ્સ, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજ, ગ્રીન એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ્સ, MSMEs, પ્રવાસન અને સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સિરામિક, કપાસ અને પ્લાસ્ટિકની નિકાસ, બ્રાસ કોમ્પોનન્ટ્સ, સીફૂડ પ્રોસેસિંગ, કોસ્ટલ ટૂરિઝમ અને અનેક અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ વ્યાવસાયિક તકો ઉપલબ્ધ છે.
મહેસાણાની VGRCમાં 1,264 MoU પર હસ્તાક્ષર
મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન થયું હતું, જેમાં ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU પર હસ્તાક્ષર થયા હતા. બે દિવસીય આ કોન્ફરન્સમાં 29,000થી વધુ લોકો હાજર રહ્યા હતા અને 80થી વધુ દેશોના 440થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વૈશ્વિક અને સ્થાનિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ દર્શાવતા આ કાર્યક્રમમાં 160થી વધુ બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને 100થી વધુ બિઝનેસ-ટુ-ગવર્મેન્ટ (B2G) મિટિંગ્સ યોજાઈ, જેને કારણે ભાગીદારી અને રોકાણની મહત્વપૂર્ણ તકો ઊભી થઈ.
આપણ વાંચો: લિફ્ટ આપી, લૂંટ ખાઈ! વડોદરામાં MPથી આવતા પ્રોફેસરને નશીલો પદાર્થ સૂંઘાડી ₹4 લાખથી વધુની લૂંટ



