RMCની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો! ભાજપના કોર્પોરેટરે કહ્યું, "બાંધકામ હટી જાય છે, બે ઝૂંપડા નહિ હટાવી શકતા" | મુંબઈ સમાચાર
રાજકોટ

RMCની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો! ભાજપના કોર્પોરેટરે કહ્યું, “બાંધકામ હટી જાય છે, બે ઝૂંપડા નહિ હટાવી શકતા”

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠીયા, કોમલ ભારાઈ અને મકબુલ દાઉદાણીએ ખરાબ રોડ અને મહિલાઓના સતત થતા અપમાન સહિતના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ બેઠક દરમિયાન ભાજપના જ કોર્પોરેટરે ટાઉન પ્લાનિંગ શાખાની નહિવત કામગીરી મુદ્દે રોષ વ્યકત કર્યો હતો.

મળતી વિગતો અનુસાર, રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં હંગામો મચી ગયો હતો. અનેક મુદ્દે વિપક્ષ સહિત સત્તાપક્ષના કોર્પોરેટરોએ પણ મનપાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠીયા, કોમલ ભારાઈ અને મકબુલ દાઉદાણીએ ખરાબ રોડ,મહિલાઓના સતત થતા અપમાન તેમજ વોટ ચોરીના મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને વોકઆઉટ કર્યું હતું.

આ પણ વાંચો: RMCની સામાન્ય સભા બની તોફાની, કોંગ્રેસે હાથમાં પાટાપીંડી કરી બિસ્માર રસ્તા વિરોધ કર્યો

વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે, તેમ છતાં રીપેરીંગનો કોઈ સમયસર ઉકેલ લાવવામાં આવતો નથી. ઉપરાંત, ભાજપ પક્ષની અંદર મહિલા નેતાઓની સતત અવગણના થઈ રહી છે, જે ગંભીર બાબત છે. કોંગ્રેસના નેતાઓએ ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવ્યા હતા. જો કે કોંગ્રેસના વિરોધ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કોર્પોરેટરો વિકાસના કામોની વાતો કરતા નથી અને રજૂઆત પણ આવતી નથી માત્ર મીડિયામાં હાઈલાઈટ થવા માટે વિરોધ પ્રદર્શન કરે છે.

જો કે માત્ર વિપક્ષે જ મનપાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા તેવું નથી પરંતુ, સત્તાધારી પાર્ટી ભાજપના કોર્પોરેટર નિલેશ જલુએ પણ અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી કે શહેરમાં ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની સેવા અસરકારક રીતે થતી નથી. તેમણે સ્વચ્છ ભારત મિશન પણ સાર્થક રીતે અમલમાં નથી આવી રહ્યું તેવો આક્ષેપ કર્યો હતો. ભાજપના જ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિનુ ઘવાએ ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કામગીરી જ નહિ કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અધિકારી ગમે તેનું બાંધકામ પાડી નાખતા હોય તો 2 ઝૂપડા હટાવી શકતા નથી.”

આ પણ વાંચો: સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….

રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં વિનુભાઈ ધવાના સવાલો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જવાબ આપતા કહ્યું હતું કે, વિનુભાઈની રજૂઆત પ્રાપ્ત થઈ છે. ગેટ પાસે આવેલા બે ઝૂંપડા દૂર કરવા માટે ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના આપી છે. દબાણ દૂર થશે અને ઝૂંપડાવાસીઓને હાલની પરિસ્થિતિમાં મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી થશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button