ધ્રુજાવી દેતી ઘટના: ૪ વર્ષ સુધી નરક જેવી યાતના ભોગવ્યા બાદ દીકરીએ હિંમત બતાવી, નરાધમ પિતાની ધરપકડ

રાજકોટઃ ઉપલેટામાં ઘોર કળિયુગની સાબિતી અને સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યા હતા. કેન્સરગ્રસ્ત માતાની લાચારીનો ફાયદો ઉઠાવી ૧૫ વર્ષની દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. સતત ૪ વર્ષ સુધી નરક જેવી યાતના ભોગવ્યા બાદ દીકરીએ હિંમત બતાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, પીડિતાની માતા ચાર વર્ષ પહેલા કેન્સરની બીમારીમાં પટકાયા હતા. કેન્સર ચોથા સ્ટેજમાં હોવાથી સતત આંચકીઓ આવે છે અને માનસિક રીતે પણ અસ્વસ્થ છે. માતા પથારીવથ હોવાથી તેનો ફાયદો ઉઠાવીએ પિતાએ દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. પીડિતા જ્યારે 15 વર્ષની હતી ત્યારે આ ખેલ શરૂ થયો હતો.
સામાજિક બદનામી થવાના ડરે ચૂપ રહી
પીડિતાએ સતત ચાર વર્ષ સુધી આ ત્રાસ સહન કર્યો હતો. નરાધમ પિતા માત્ર દુષ્કર્મ જ નહોતો કરતો પરંતુ તેને ઢોર માર મારતો હતો અને શારીરિક માનસિક ત્રાસ પણ આપતો હતો. પિતાનો ડર અને સામાજિક બદનામી થવાના ડરે તે લાંબા સમય સુધી ચૂપ રહી હતી. પરંતુ તેની સહનશીલતાની હદ આવી જતાં તેણે હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ પણ રહી ગઈ દંગ
પોલીસ સમક્ષ પીડિતાએ આપવીતી જણાવતા પોલીસ પણ દંગ રહી ગઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરાધમ પિતાની ધરપકડ કરી હતી.આ ઘટના બહાર આવતા ઉપલેટા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, હાલ તપાસ ચાલી રહી છે.



