ટોપ ન્યૂઝરાજકોટ

ધોરાજી ભાજપમાં ખળભળાટઃ માત્ર 13 જ દિવસમાં નગરપાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું

રાજકોટઃ ધોરાજીમાં માત્ર 13 દિવસ પહેલા જ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવેલા સંગીતા બારોટે રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. તેમણે અચાનક રાજીનામું ધરી દેતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પારિવારિક કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલી સૂચનાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…અર્જુન મોઢવાડિયાએ બળાપો કાઢ્યોઃ કૉંગ્રેસમાંથી આવેલા બીજા નેતાઓ પણ ખફા

સંગીતા બારોટ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારે ઈન્ટરવ્યુ દરમિયાન તેમની જીભ લપસી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે સંબોધ્યા હતા. આ અંગેનો વીડિયો વાઇરલ થયો હતો. સંગીતા બારોટની ચૂંટણી પહેલા ઉમેદવાર તરીકે જાહેરાત થતા સોશિયલ મીડિયામાં કરેલી કેટલીક વિવાદિત પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા હતા. ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતા બારોટના નામની જાહેરાત થતાં જ સ્થાનિક સ્તરે ગણગણાટ શરૂ થયો હતો. તેમના જૂના વીડિયો વાઇરલ કરીને ટ્રોલ કર્યા હતા.

સંગીતા બારોટે મીડિયાને કહ્યું કે, ‘મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કોઈનો કંઈ વાંક નથી. હું પક્ષ સાથે જોડાયેલી જ છું અને નગરપાલિકાનું કોઈપણ કામ હશે તો હું સાથે રહીને કામ કરીશ. મારા સમાજિક કામના કારણે મેં રાજીનામું આપ્યું છે. નગરપાલિકામાં મારી શક્તિ કરતાં વધુ કામ હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે. મને પક્ષ કે સંઘ દ્વારા કોઈ દબાણ કરવામાં નથી આવ્યું. પક્ષ અને સંઘ મારી સાથે જ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button