VIDEO: રાજકોટમાં કમોસમી વરસાદનો કહેર; બાગાયતી પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતામાં

રાજકોટ: રાજ્યમાં ગઈકાલ સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો હતો, અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાસ કરીને બાગાયતી પાકને આ વરસાદના કારણે મોટું નુકસાન થયું છે.
આંબાના પાકને સૌથી વધુ અસર
ગઢ વાજડી ગામમાં આંબાના પાકને સૌથી વધુ અસર પહોંચી છે. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે પાકી ગયેલી કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ ઉપરાંત, તલ અને મગ જેવા પાકને પણ વરસાદના કારણે નુકસાન થયું હોવાના અહેવાલ છે. કમોસમી વરસાદના કારણે ખેતરોમાં રાખેલો સૂકો ચારો પણ પલળી ગયો છે, જે પશુપાલકો માટે ચિંતાનો વિષય છે.
ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ
વર્ષભર મહેનત કરનારા ખેડૂતો માટે આ કમોસમી વરસાદ પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જી ગયો છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે જેથી તેઓ આ નુકસાનમાંથી બહાર આવી શકે.
આ પણ વાંચો ગુજરાતમાં આવતીકાલે 18 જિલ્લામાં મોક ડ્રીલ, રાતના 7.30 વાગ્યાથી આઠ વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ
કુલ 51 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 51 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં અમરેલી જિલ્લાના લાઠી અને ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ 1.18 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ખેતરોમાં ઉભો પાક તૈયાર થવાના આરે છે, ત્યારે અચાનક આવેલા વરસાદથી પાકને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને ઘઉં અને કઠોળના પાકને નુકસાન થઈ શકે છે.