કેન્દ્રીય ગૃહ પ્રધાન આવતા સપ્તાહે રાજકોટની મુલાકાતે લેશેઃ સ્વ. વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરશે

રાજકોટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાત લેશે. તેઓ સ્વ. વિઠ્ઠલ રાદડીયાના પ્રતિમાનું અનાવરણ પણ કરશે. મળતી વિગત પ્રમાણે, રાજકોટ જિલ્લા કભક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા 22 સપ્ટેમ્બરે રાજકોટમાં યોજાશે. જેમાં દેશના દેશના પ્રથમ સહકારીતા પ્રધાન અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં રાજકોટના સ્વ. અરવિંદભાઈ મણિયાર તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાનું સહકારી ક્ષે મોટું યોગદાન છે. સહકારી સોસાયટીઓને દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. રાજ્ય કે દેશમાં સ્થાનિક સ્તરે સહકારી મંડળી-બેન્કની ભૂમિકા ખૂબ મોટી છે. નાના માણસોની મોટી બેન્ક કહેવાતી સહકારી બેન્કો નાગરિકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલી 821 દૂધ મંડળીના 60,590 દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં 60 કરોડ જેટલી રકમ જમા કરાવવામા આવી હતી. વર્ષ 2024-25માં રાજકોટ જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા 1142 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 80 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. જે અંતર્ગત 60 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોના બેંક એકાઉન્ટમાં દૂધ ભાવ ફેરના ચૂકવવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકો દ્વારા પ્રતિ દિવસ અંદાજિત 4.50 લાખ લીટર દૂધ ઉત્પાદિત કરીને ડેરીને સોંપવામાં આવે છે અને વર્ષ દરમિયાન 16 કરોડ લીટરથી પણ વધુ દૂધની આવક રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘને થાય છે.
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાની આગેવાનીમાં ખેડૂત સંમેલનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહની હાજરીમાં 50,000થી વધુ ખેડૂતોનું સંમેલન યોજાશે. જયેશ રાદડિયા માટે સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે ચમકવા માટે આ મોટું પ્લેટફોર્મ છે. રાદડિયા માટે વિરોધી જૂથને સાઈડલાઈન કરવાની સાથે શક્તિ પ્રદર્શન માટે મોટો મોકો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક સમયે એક લાખ ખેડૂતોનું વિશાળ સંમેલન બોલાવવાનો રેકોર્ડ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના નામે છે.
આ પણ વાંચો…અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ