મોરબી-રાજકોટ આઈટી રેડમાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા

મોરબી/રાજકોટઃ મોરબી-રાજકોટના જાણીતા સિરામિક ગ્રુપ લેવીસ, લીવા અને મેટ્રો પર ઈન્કમ ટેક્સે પાડેલા દરોડા દરમિયાન ચાર દિવસમાં 300 કરોડના બિનહસાબી વ્યવહાર પકડાયા હતા. દરોડાની કાર્યવાહી આવતીકાલે પૂરી થઈ શકે છે. આ ઉપરાંત 25માંથી ત્રણ લોકર ખોલવામાં આવતાં 50 લાખની જ્વેલરી મળી હતી. બાકીના લોકર ખોલવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પૂરી થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરોડા દરમિયાન 25 રહેણાંક સ્થળ, 5 ઓફિસ અને બાકીની ફેક્ટરી યુનિટ્સ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સિરામિક ગ્રુપના સંચાલકોએ પણ કરચોરીની કબૂલાત કરી હતી. આ કબૂલાત બાદ હવે હિસાબોની વિગતવાર ચકાસણી અને કરચોરીની રકમ નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધીની તપાસમાં 300 કરોડથી વધુનો આંકડો સામે આવ્યો હતો. આ પ્રાથમિક અંદાજ છે. હાલમાં ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરેલા હિસાબી ચોપડા, કમ્પ્યુટર હાર્ડ ડ્રાઇવ અને ડિજિટલ ડેટાની ચકાસણી બાકી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ કરચારીનો સાચો આંકડો સામે આવી શકે છે. આ ઉપરાંત કયા વ્યવહારોમાં કરચોરી થઈ છે અને કઈ રીતે કરચોરીને છુપાવવામાં આવી હતી તેની વિગતવાર તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો…47.32 કરોડ રૂપિયાના જીએસટી ક્રેડિટ ફ્રોડમાં વેપારીની ધરપકડ