હે વિધાતા આ તે કેવી ક્રૂરતા?: લગ્નના 22 વર્ષે જન્મેલી દીકરી બાપની સામે જ કાળનો કોળિયો બની ગઈ…

રાજકોટઃ દેશમાં રોજ રોડ એક્સિડેન્ટમાં લોકો મોતને ભેટે છે અન ઈજાગ્રસ્ત થાય છે. એક રોડ એક્સિડેન્ટનો ભોગ બનનાર વ્યક્તિના પરિવાર માટે કેટલો શોકદાયી નિવડે છે તે રાજકોટની ઘટના પરથી સમજી શકાય છે. લગ્ન બાદ સંતાનની ઈચ્છા રાખનાર એક દંપતીની મનોકામના 22 વર્ષે પુરી થઈ હતી અને તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. આ દીકરી સાત વર્ષની થઈ અને તેને કાળ ભરખી ગયો.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર ઉમિયા ચોક પાસે આવેલા જશરાજનગરમાં રહેતા ભાવેશ વાખારિયા (52) નામના ગૃહસ્થ સાત વર્ષની દીકરીને લઈ ટુ-વ્હીલરમાં ફરવા નીકળ્ય હતા. અહીં રિંગરોડ પર મવડી બાયપાસ પાસે ટીલાળા ચોક નજીક એક ડમ્પરે ટુ-વ્હીલરને ટક્કર મારતા બાપ-દીકરી બન્ને પડી ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે પિતાને ઈજા થતા હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતા લોધિકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.વેપારી પિતા અને શિક્ષિકા માતાનું એકનું એક સંતાન નેતી પહેલા ધોરણમાં ભણતી હતી. તેનાં આ રીતે થયેલા મૃત્યુએ વખારિયા દંપતીને વલોપાત કરતા મૂકી દીધા હતા.
સૌરાષ્ટ્રના રસ્તાઓ પર મંગળવારે જાણે કાળ ભમી રહ્યો હોય તેમ રસ્તાઓ રક્તરંજિત બન્યા હતા. ગીર સોમનાથમાં ત્રિપલ અક્સમાતમાં ત્રણાના મોત થયા હતા, જેમાં સગા કાકા-ભત્રીજાએ જીવ ખોયો હતો જ્યારે બીજા એક અક્સમાતમાં જામનગર-લાલપર પાસે એક કિશોર સાથે ત્રણના મોત નિપજ્યા હતા. રોડ-રસ્તા તેમ જ લાઈટ્સ્ની કમી અને આ સાથે વાહનચાલકોની ઉતાવળ અને બેદરકારી રોજ કેટલાયો જીવ લે છે.



