આખું ગુજરાત જળબંબોળ, પણ આ બે શહેર હજુ તરસ્યા
અમદાવાદઃ ગુજરાતમાં ફરી મેઘસવારી જામી છે. ઉત્તર ગુજરાતના ઘણા તાલુકામાં વરસાદ જામ્યો છે. સવારે છથી બપોરે બે વાગ્યા સુધીના મળતા આંકડા અનુસાર સાબરકાંઠામાં સાત ઈંચ, મહેસાણાના વિવિધ તાલુકાઓમાં માં પાંચથી છ ઈંચ, બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ચારથી પાંચ ઈંચ, ગાંધીનગરમાં ચાર ઈંચ, વડોદરા-સુરતના વિસ્તારોમાં એકથી બે ઈંચ વરસાદ વરસ્યો છે, પરંતુ ગાંધીનગરના ટ્વીન સિટિ એવા અમદાવાદમાં એક ઈંચ પણ વરસાદ વરસ્યો નહીં. અમદાવાદમાં સવારે ભારે ઘેરાયેલો વરસાદ ક્યારે ગાયબ થઈ ગયો તે કોઈને સમજાતું નથી. શહેરમાં માત્ર 21 મીમી પાણી બપોરે બે વાગ્યા સુધી પડ્યું છે. આખી સિઝનમાં અમદાવાદમાં હજુ સુધી 12 ઈંચ વરસાદ પડ્યો છે. જુલાઈના અંત સુધીમાં શહેરમાં ઓછામાં ઓછા 22થી 25 ઈંચ વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે વરસાદ ખો દઈને જતો રહે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી
આવી જ હાલત ગુજરાતના બીજા ધમધમતા શહેર રાજકોટની છે. અહીં પણ સિઝનનો 50 ટકા વરસાદ પણ પડ્યો નથી. રાજકોટમા હજુ સુધીમા માત્ર 15 ઈંચ આસપાસ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં દર વર્ષે સિઝનનો સરેરાશ 40 ઇંચ વરસાદ પણ ચાલુ વર્ષે ઓછા વરસાદ થી સીઝનના સરેરાશ આંકડા ને આંબશે કે કેમ તેવો સવાલ સૌને થઈ રહ્યો છે.
તેવી જ રીતે રાજકોટમાં સીઝનનો 40-45 ઇંચ થી પણ વધુ વરસાદ નોંધાતો હોય છે પણ આ વખતે ઓછા વરસાદથી ચિંતા નો માહોલ છે.
બન્ને શહેરની વસતિ દિવસે દિવસે વધતી જાય છે. આ સાથે ઉદ્યોગ ધંધામાં પણ પાણીનો પુષ્કળ ઉપયોગ થાય છે ત્યારે આ બધી જરૂરિયાતો સંતોષી શકાય તેટલું પાણી વરસે તેવી સૌ આશા સેવી રહ્યા છે.