રાજકોટ

રાજકોટ SOGની કાર્યવાહી; રંગપર ગામથી ઝડપાયા બે બાંગ્લાદેશી ઘૂસણખોર

રાજકોટ: રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એસઓજીએ હાથ ધરેલા ચેકિંગ દરમિયાન પડધરીના રંગપર ગામેથી બે બાંગ્લાદેશી ઘુસણખોરો મળી આવતા બન્નેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને બાંગ્લાદેશી ઘુસણખોરો છેલ્લા ઘણા સમયથી પડધરીના રંગપર ગામે રહેતા હતા. આ ઘુસણખોરો કોની કોની સાથે સંપર્કમાં હતા તે બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મુંબઈ, કલ્યાણ, ડોંબિવલીથી બાંગ્લાદેશી નાગરિકો પકડાયા

બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા માટે ઓપરેશન

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ. એ. પારગી અને તેમની ટીમે જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું.

પડધરી તાલુકાના રંગપર ગામથી ઝડપાયા

ચેકિંગ દરમિયાન જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં. 3 માં રહેતા મુળ બાંગ્લાદેશના ઢાંકા રાજધાનીના જોસર જિલ્લાના મોનીરાપુર થાનાના વતની સોહિલ હુસેન યાકુબઅલી ઉ.વ.30 અને વિપોન હુસેન અમીરૂલ ઈસ્લામ ઉ.વ.28ની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો ભુપતભાઈ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતા હતા, આ મામલે પોલીસે મકાન માલીકની પણ પુછપરછ કરી હતી. બાંગ્લાદેશી ઘુસણખોરોને આશ્રય આપવાના ગુનામાં મકાન માલિક સામે પણ ગુનો નોંધાઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button