રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ: વાહન ચલાવવા જેવા ઠપકામાં ખેલાયો હતો ખૂની ખેલ...
રાજકોટ

રાજકોટમાં ત્રિપલ મર્ડર કેસમાં બે આરોપીની ધરપકડ: વાહન ચલાવવા જેવા ઠપકામાં ખેલાયો હતો ખૂની ખેલ…

રાજકોટ: શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાળી ચૌદશની રાત્રે વાહન અથડાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ખૂની ખેલ સર્જ્યો હતો. આ ઘટનામાં પરમાર બંધુઓ સહિત કુલ ત્રણ વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. ૨૦ ઓક્ટોબરના રોજ રાત્રિના ૧૨:૩૦ વાગ્યા આસપાસ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ જીવલેણ હુમલો થયો હતો.

અરુણ બારોટ અને તેના સાગરીતોએ છરી અને ઘાતકી હથિયારો વડે હુમલો કરતાં સુરેશ પરમાર (ઉં.વ. ૪૫) અને તેના ભાઈ વિજય પરમાર (ઉં.વ. ૪૦)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હુમલામાં વિજય પરમારનો પુત્ર સુધીર પરમાર સહિત પરિવારના છ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. વળતા પ્રહારમાં સામા પક્ષના અરુણ વિનુભાઈ રાઠોડ (ઉં.વ. ૨૨)નું પણ મોત નીપજ્યું હતું, જેથી આ ઘટના ત્રિપલ મર્ડરમાં પરિણમી હતી.

હત્યામાં સંડોવાયેલ બે આરોપી ઝડપાયા

આ અંગે મૃતક વિજય પરમારના ઈજાગ્રસ્ત પુત્ર સુધીર પરમારની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. ACP બી.જે. ચૌધરીએ આપેલી માહિતી મુજબ, પોલીસે હત્યામાં સંડોવાયેલ આરોપીઓ જગદીશ ઉર્ફે જગો રામજી ચૌહાણ (ઉં.વ. ૨૯) અને મનીષ રમેશ ખીમસુરીયા (ઉં.વ. ૨૦)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ હત્યા સમયે હાજર હતા અને તેમણે ગુનામાં મદદગારી કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ઓળખ અને તેમની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, સામા પક્ષે અરુણ બારોટની હત્યા કેસમાં તેના ભાઈએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરમાર બંધુના મોત નિપજ્યા હોવા છતાં, ઈજાગ્રસ્ત સુધીર પરમારની સારવાર પૂર્ણ થયા બાદ તેની પણ પૂછપરછ કરી અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલમાં PI જીજ્ઞેશ દેસાઈના નેતૃત્વમાં પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને વધુ આરોપીઓની સંડોવણી જણાશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે. સામાન્ય અકસ્માત જેવી નજીવી બાબતે સર્જાયેલી આ ત્રિપલ હત્યાની ઘટનાએ રાજકોટ શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button