
અમદાવાદ/રાજકોટઃ ગુજરાતમાં અનંત ચતુદર્શીના દિવસે સવારમાં બે મોટી દુર્ઘટના બની હતી. સાણંદ પાસે સ્કૂલવાન પલટી જતાં 10 વિદ્યાર્થી ઘાયલ થયા હતા. જ્યારે બીજી ઘટનામાં રાજકોટથી કાર ભાડે લઈ દીવ જતા સમયે આટકોટના જંગવડ પાસે સર્જાયેલા અકસ્માતમાં આર કે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીનાં મોત થયા હતા.
રાજકોટમાં ક્યાં બની ઘટના
મળતી વિગત પ્રમાણે, રાજકોટ જિલ્લાના આટકોટના જંગવડ પાસે કારનો ગંભીર અકસ્માત થયો હતો. ઇનોવા કાર પલ્ટી જતા રાજકોટની R. K. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. મરણજનારમાં આંધ્રના નરેશ સુબ્બારાવ, તેલંગાણાના મોથી હર્ષા અને આફરીન સાયદના છે. ત્રણેય વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષની છે. વિદ્યાર્થીઓ ઇનોવા કાર ભાડે કરી દીવ જતા હતા, ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
સાણંદના નવાગામ પાસે સ્કૂલવાન પલટી
સાણંદ-બગોદરા હાઈવે પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાણંદના નવાગામ પાસે એક સ્કૂલવાન બેકાબૂ થઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં લગભગ 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાનમાં સવાર બાળકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…ખાડાએ લીધો જીવ: લાલબાગચા રાજાના દર્શન કરી પાછા ફરી રહેલા ગુજરાતી યુવકનું અકસ્માતમાં મોત