ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડઃ ટીપીઓ મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠિયાને કોર્ટે ત્રણમાંથી એક કેસમાં જામીન આપ્યા હતા. ટીપીઓ સાગઠિયાએ જામીન મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી. આરોપી મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એસીબીમાં તેમજ ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયેલી છે. જે કેસમાં હજુ જામીન મળેલા ન હોવાથી તેને હજુ પણ જેલવાસ ભોગવવો પડશે.
મનસુખ સાગઠીયાના વકીલે શું કરી દલીલ
મનસુખ સાગઠીયા વતી તેના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ કેસમાં કુલ 365 જેટલા સાહેદો છે, જેને તપાસવામાં જાજો સમય લાગી શકે એમ છે. છેલ્લા 15 મહિનાથી આરોપી જેલમાં બંધ છે અને આ કેસમાં એક મહિના પૂર્વે જ ટ્રાયલ શરૂ થઈ છે. તદુપરાંત આ કેસમાં સંડોવાયેલ એટીપીને જામીન આપવામાં આવે છે તો ટીપીઓને પણ જામીન મુક્ત કરવા જોઈએ તેવી રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જ દોઢ માસ પૂર્વે ઈલેશ ખેરને પણ જામીન મુક્ત કર્યા હતા, જેઓ પણ મનપાના અધિકારી હતા તો મનસુખ સાગઠીયાને પણ જામીન મુક્ત કરવા જોઈએ. જેને ગ્રાહ્ય રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
સાગઠીયાની વધશે મુશ્કેલી
મનસુખ સાગઠીયા સામે વધુ એક ફરિયાદ માટે ઇડી દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી. જે રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઠરાવ કરી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પણ આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરી ઇડી દ્વારા ફરિયાદ નોંધવામાં આવે તો તેમની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે.
ક્યારે બની હતી દુર્ઘટના
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024ના રોજ એક ભયાનક અગ્નિકાંડ બન્યો હતો. આ દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 12 બાળકો પણ સામેલ હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો અને સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન પર સવાલો ઊભા કર્યા હતા.
આપણ વાંચો: કોર્ટ કિસ્સાઓના કારણે શિક્ષકોની કેટલીક ભરતી વિલંબઃ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર