'આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો': રાજકોટમાં વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લાગ્યા...
રાજકોટ

‘આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો’: રાજકોટમાં વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લાગ્યા…

રાજકોટઃ અમદાવાદ માટે ગુરુવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. મેઘાણીનગર વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાથી પ્લેનમાં મુસાફરી કરી રહેલા 242 પૈકી 241નાં મોત થયા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. તેમનો પુત્ર ઋષભ શનિવારે આવશે તે બાદ તેમના અંતિમ સંસ્કાર થશે. આ દરમિયાન રાજકોટમાં રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા હોર્ડિંગ્સ લાગ્યા છે.

રાજકોટ હોર્ડિંગ એસોસિએશન દ્વારા જાહેર માર્ગો પર રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે, આપ સદૈવ અમારી સ્મૃતિમાં રહેશો.

વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવારે રાજકોટ શહેરમાં ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા 650 જેટલી શાળાઓ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 90 જેટલી શાળાઓ પણ બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં આવેલી બે સરકારી શાળાઓ પણ આવતીકાલે સ્વૈચ્છિક બંધ પાળશે.

વિજય રૂપાણીએ પત્ની સાથે શું કરી હતી અંતિમ વાત
વિજય રૂપાણીએ પત્ની અંજલિબેનને અંતિમ કોલ કર્યો હતો. જેમાં વિજય રૂપાણીના અંતિમ શબ્દો હતા- અંજુ, ફ્લાઈટમાં બેસી ગયો છું. ફલાઈટ હમણાં ઊપડે જ છે, કાલે આવું છું. શુક્રવારે સવારે અંજલિ રૂપાણી આવતાં જ અમદાવાદ એરપોર્ટ ગમગીની છવાઈ ગઈ હતી. તેમણે કહ્યું, મને એકવાર વિજયનું મોઢું બતાવો. આટલું બોલતાં જ તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

વિજય રૂપાણીની સુરક્ષા માટે ફાળવેલા કમાન્ડો સામે જોઈ અંજલિ રૂપાણીએ કહ્યું, તમે તો સાહેબનું કાયમી ખૂબ જ ધ્યાન રાખતા હતા, કાલે કેમ સાહેબનું ધ્યાન ન રાખ્યું. આટલું સાંભળતાંની સાથે જ કમાન્ડો પણ ભાવુક થઈને રડવા લાગ્યા હતા. સતત 20 મિનિટ સુધી અંજલિબેનના રુદનથી ઉપસ્થિત તમામની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. ત્યાર બાદ અંજલિ રૂપાણી તેમના ગાંધીનગર સ્થિત બંગલે રવાના થયાં હતાં.

આપણ વાંચો : વિજયભાઈએ મને ભાઈ જેટલો પ્રેમ આપ્યો અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછાઃ નીતિન પટેલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button