રાજકોટમાં રૂા.૪૫૦૦૦ની લાંચ લેતા ભુજના નિવૃત્ત ઇન્સ્પેકટર સહિત ત્રણ અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ રાજકોટ ખાતે રૂા.ચાર લાખના એરિયર્સ બિલને મંજૂર કરવાની અવેજમાં રૂા.૪૫ હજારની લાંચ માગનારા કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારી તથા ભુજના નિવૃત્ત ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર શૈલેશ કરસન ચૌહાણ સહિત ત્રણ અધિકારીઓને લાંચ રુશ્વત વિરોધી શાખાએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી પાડતાં ચકચાર પ્રસરી જવા પામી છે.
ગુજરાતમાં પ્રવર્તમાન ભ્રસ્ટાચારનું વરવું સ્વરૂપ દર્શાવતા આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદીનું રૂા.ચાર લાખનું એરિયસ બિલ મંજૂર કરવાના કામ માટે આરોપી રવિકુમાર સુરેશકુમાર જાંગીડ (આસિ. એકાઉન્ટ્સ ઓફિસર, વર્ગ-૨, ઝોનલ એકાઉન્ટ્સ ઓફિસ,મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, રાજકોટ)એ બિલના ૨૦ ટકા લેખે રૂા. ૮૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ‘ભાવતાલ’ના અંતે રૂા. ૫૦,૦૦૦ લાંચ આપવાનું નક્કી થયું હતું, જે પેટે રૂા.૫,૦૦૦ એડવાન્સમાં લેવાયા હતા. બાકીના રૂા. ૪૫,૦૦૦ ગત તા. ૩૦-૦૧ના રોજ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોઈ આ બાબતે તેઓએ લાંચ રુશવત વિરોધી શાખાને જાણ કરતાં ગીરનાર ટોકીઝ પાસે, ઇન્કમટેક્સ ઓફિસની સામે આવેલી `બજરંગ ઇમિટેશન’ દુકાન પાસે મદદનીશ નિયામક જે.ડી.મેવાડના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર. આર. સોલંકી અને તેમની ટીમના નેતૃત્વમાં છટકું ગોઠવાયું હતું.
ઝોનલ એકાઉન્ટ ઓફિસ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, રાજકોટ ખાતેના (૧) આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, વર્ગ-૨, રવિકુમાર જાંગીડ (૨) નિવૃત્ત ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર, શૈલેષ કે. ચૌહાણ (૩) કન્ટીજન પટાવાળા અક્ષયભાઈ વાગડીયા નાઓ વિરુદ્ધ રૂા.૪૫,૦૦૦/-ની લાંચ લેવાના ગુનામાં આક્ષેપિત (૩) લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) January 30, 2026
આરોપી રવિકુમાર જાંગીડના કહેવાથી મૂળ ભુજના નિવૃત્ત ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર શૈલેશ કે. ચૌહાણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને ત્યારબાદ ત્રીજા આરોપી અક્ષયભાઈ શૈલેશ વાગડિયા (કન્ટીજન પટાવાળા, ઇન્કમટેક્સ ઓફિસ, રાજકોટ)એ રૂા.૪૫,૦૦૦ની લાંચ સ્વીકારી એ વેળાએ ત્રણેય આરોપીઓને દબોચી લેવાયા હતા.
આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો નોંધી આગળની તપાસ હાથ હોવાનું એસીબીના વડા પીયૂષ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો સાબરમતી સ્ટેશન જતાં પહેલા વાંચી લો! એન્ટ્રી-એક્ઝિટના માર્ગો બદલાયા, જાણો નવી વ્યવસ્થા



