રાજકોટનો લોકમેળો 'શૌર્યનું સિંદૂર' બન્યો કલેક્ટર તંત્ર માટે 'નફાનું સિંદૂર', 50 લાખથી વધુનો નફો થયો | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટનો લોકમેળો ‘શૌર્યનું સિંદૂર’ બન્યો કલેક્ટર તંત્ર માટે ‘નફાનું સિંદૂર’, 50 લાખથી વધુનો નફો થયો

આગામી વર્ષનો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની બહાર ખસેડવામાં આવશે

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમી પર જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસના શૌર્યનું સિંદૂર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાથી કલેકટર તંત્રને 50 લાખથી વધુનો નફો થયો હતો.

આ વખતે લોકમેળામાં વિવિધ સ્ટોલ હરાજી અને ડ્રોથી વેપારીઓને ફાળવવામાં આવ્યા હતા. જેનાથી બે કરોડથી વધુની આવક રાજકોટ જિલ્લા કલેકટર તંત્રને થઈ હતી. જેમાંથી ખર્ચની રકમ બાદ કરતા રૂા. 50 લાખથી વધુનો નફો રાજકોટ કલેકટરને થવા પામ્યો હતો. લોકમેળાના પાંચ દિવસ દરમ્યાન 14 લાખથી વધુ લોકોએ લોકમેળાની રંગત માણી હતી.

આપણ વાંચો: રાજકોટના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન, 15 લાખથી વધુ લોકોએ માણી મજા

આગામી વર્ષનો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની બહાર એટલે કે ન્યુ રેસકોર્સ, અટલ સરોવરની બાજુમાં યોજવા માટે અત્યારથી જ ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી હતી. આ માટે અટલ સરોવર નજીકનું ગ્રાઉન્ડ ચોમાસા બાદ સમથળ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતો આ લોકમેળો અટલ સરોવર પાસે ખસેડવા માટે તત્કાલીન કલેકટર પ્રભવ જોશીના સમયકાળમાં પણ ગતિવિધિઓ તેજ કરી આ માટે રૂા.10 કરોડની ગ્રાન્ટ ફાળવવા રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

પરંતુ અટલ સરોવર પાસેનું ગ્રાઉન્ડ ટુંકા સમયમાં સમથળ થઈ શકે તેમ ન હોય ચાલુ વર્ષે લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજવાની તંત્રને ફરજ પડી હતી. જોકે આગામી વર્ષ માટે અત્યારથી જ કલેકટર દ્વારા આ માટે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આપણ વાંચો: રાજકોટમાં ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં 2 ડીસીપી સહિત 1900થી પોલીસનો લોખંડી બંદોબસ્ત રહેશે

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન થયું હતું. આ મેળાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો.

પાંચ દિવસ ચાલેલા આ લોકમેળાની મુલાકાત 14 લાખથી વધુ લોકોએ લીધી હતી. મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડાં અને અન્ય પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે બાળકોથી લઈને વડીલો સુધી સૌને આકર્ષિત કર્યા હતા.

લોકમેળામાં ખાણી-પીણી રમકડા, હસ્તકલા કટલેરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી પાછળ લોકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

એસ.ઓ.પી.ની કડક અમલવારી તેમજ નિયમ મુજબના ડોકયુમેન્ટસ આઠ જેટલા રાઈડસ સંચાલક પુરા નહી કરી શકતા મોતનો કુવો,વેન્જર સુનામી સહિતની આ આઠ રાઈડ્સ મંજૂરીના અભાવે શરૂ નહી થઈ શકતા રસીકોમાં નિરાશા સાંપડી હતી મેળાના અંતિમ દિવસે 1.60 લાખથી વધુ ચિક્કાસ જનભેદની ઉમટી પડી હતી.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જન્માષ્ટમીના તહેવાર સમયે ભારે વરસાદ ખાબકી પડતા લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button