ગુજરાતમાં અલગથી સાયબર યુનિટ બનાવવા માટે પ્રશાસને લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો વિગતો?

રાજકોટઃ રાજકોટ શહેરમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાઈમ કોન્ફરન્સ હવે આવતા મહિને સુરતમાં યોજાશે. રાજકોટમાં યોજાયેલી કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સાયબર ક્રાઈમના મુદ્દે ડીજીપી વિકાસ સહાય દ્વારા વિગતે ચર્ચાઓ થઈ હતી. રાજ્યમાં સાયબર ક્રાઈમના વધી રહેલા બનાવોને રોકવા માટે અલગથી સાયબર ક્રાઈમ યુનિટની સ્થાપના કરવાની ચર્ચાઓ થઈ હતી.
આ પણ વાંચો: Vadodara ના સિનિયર સિટિઝનને Digital Arrest કરીને સાયબર ઠગોએ 1.60 કરોડ પડાવ્યા
દેશમાં આઈબી, એસીબી, સીઆઈડી ક્રાઈમ સહિતના વિભાગો કાર્યરત છે. જે રાજ્યોમાં પણ કાર્ય કરી રહ્યાં છે, તેમ હવે રાજ્યમાં સાયબર ક્રાઈમ સ્પેશિયલ યુનિટની સ્થાપના કરાશે તેવું ડીજીપીએ ચાર મહાનગરોના પોલીસ કમિશ્નર સાથેની ચર્ચાઓમાં કહ્યું હતું. સાયબર ક્રાઇમ ડીજી, એસપી સહિત વ્યવસ્થિત માળખું ટૂંક સમયમાં ઊભું કરાશે તેવી ચર્ચા થઈ હતી. દર વર્ષે મહાનગરોમાં સાયબર ક્રાઈમની ઘટનાઓની હજારો અરજીઓ પોલીસને મળે છે. જેથી આ અરજીઓ મુદ્દે તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે નવું માળખુ ઉભુ કરવા ડીજીપીએ પોલીસ કમિશ્નરોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: સાયબર સાવધાની : ડરવાનું નહિ, સાચા મિત્રો કે કુટુંબીજનો સાથે બધું શેર કરો
આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં કન્વીકશન રેટ વધારવા માટે અલગ-અલગ પ્રકારના પગલાઓ લેવામાં આવ્યા છે અને કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ હાલ અમલમાં છે. એ જ પ્રયાસના ભાગરૂપે તમામ એસડીપીઓ અને એસીપીની કચેરીમાં ‘ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઈમને અટકાવવા માટે પણ એક નવા માળખાની જરૂર છે. જેથી તે અંગે આગામી સમયમાં કામગીરી કરાશે.