જામનગરથી અનેક વાહનોને અડફેટે લીધા બાદ નશામાં ધૂત થાર ચાલકે પોલીસ વાનને જ ઠોકી! જુઓ વીડિયો

ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરમાં શુક્રવારે સાંજે જાણે કોઈ બૉલીવુડની ફિલ્મની શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કારણ કે છેક જામનગરથી બેફામ થાર ગાડી લઈને નીકળેલા યુવકે ભાયાવદર સુધી અનેક વાહનોને હડફેટે લીધા હતા. અકસ્માતોની વણઝાર સર્જતો આ કારચાલક છેક ભાયાવદર પહોંચ્યો ત્યારે પોલીસે ભારે જહેમત બાદ પકડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે પોતાની થાર ગાડીમાં દારૂના નશામાં ધૂત થઈને માર્ગો પર રીતસરનો આતંક મચાવ્યો હતો. આ બેફામ ચાલકે શેઠ વડાળા પંથકમાં રસ્તા પર જઈ રહેલા ૪ થી ૫ વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોકોના જીવ જોખમમાં મૂકનાર આ ચાલકનો શેઠ વડાળા પોલીસની ‘112’ વાન દ્વારા સતત પીછો કરવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ભાયાવદર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસની ટીમે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી. જોકે, નશામાં ચૂર થાર ચાલકે પોલીસનો ડર રાખ્યા વગર સરદાર ચોકમાં પોલીસની વાનને જ જોરદાર ટક્કર મારી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ અને ચાલકને કાબૂમાં લેવા માટે PI પરમારે પોતાની રિવોલ્વર કાઢી તેને રોકવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર રોમાંચક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.



