રાજકોટમાં BMW કારે વિદ્યાર્થીને ઉડાવતાં મોત, કોણ ચલાવી રહ્યું હતું કાર ?

રાજકોટ: શહેરમાં બેફામ રીતે વાહન ચલાવીને અકસ્માત સર્જાયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાલાવડ રોડ પર નબીરા કારચાલકે બેફામ કાર ચલાવીને એક યુવકને અડફેટે લીધો હતો અને ગંભીર ઇજાઓના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ નજીક વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક નબીરા કારચાલકે બેફામ ગતિએ પોતાની કાળા કલરની BMW કાર ચલાવી ટુ-વ્હીલર પર જઈ રહેલા યુવક અભિષેક નાથાણીને અડફેટે લીધો હતો. આ ભયંકર ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર ચાલક અભિષેક રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની તીવ્રતાના કારણે BMW કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો, જ્યારે ટુ-વ્હીલરના પણ પુરજે પુરજા છૂટા પડી ગયા હતા. આ બનાવની જાણ થતાં 108 સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવકને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર આવી તપાસ હાથ ધરી મૃતકનું નામ અભિષેક નાથાણી હોવાનું જાણ્યું હતું.
પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી દીધો છે અને કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે, જોકે કાર કોણ ચલાવી રહ્યું હતું તે અંગેની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા ચાર દિવસમાં જ અકસ્માતોમાં ચાર લોકોના મોત નીપજ્યા છે, જેણે શહેરમાં બેફામ ડ્રાઇવિંગના મુદ્દે ગંભીર ચિંતા ઊભી કરી છે.
આ પણ વાંચો…મોનોરેલ અકસ્માત: કંપનીને ટેકનિકલ રિપોર્ટ સબમિટ કરવા આદેશ



