રાજકોટમાં પુત્ર જ નીકળ્યો પિતાનો હત્યારો, પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

રાજકોટઃ શહેરના શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસે આ મામલે મૃતકની પત્ની અને બંને પુત્રોને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી હતી. મૃતક બહેન દ્વારા પોતાની ભાભી અને ભત્રીજા સામે ભક્તિનગર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. માત્ર પુત્ર જ પિતાનો હત્યારો હોવાનું સાબિત થતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે આ ઘટનામાં મૃતકની પત્નીનો કોઈ રોલ ન હોવાથી પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી.
હુડકો ક્વાટર્સમાં રહેતા નરેશભાઈ નટવરલાલ વ્યાસ (ઉ.વ.56) ગુરૂવારે રાત્રે દારૂનો નશો કરીને ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્ની સ્મિતાબેન સાથે માથાકૂટ શરૂ કરી હતી. પોતાની પાસે રહેલી છરીથી નરેશભાઈએ પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કરતાં પુત્ર હર્ષ વ્યાસે છરી આંચકી લઇ પિતા નરેશભાઈને જ છરીના ઘા ઝીંકી દીધા હતા અને નરેશભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો: હૈયું હચમચાવી નાખે તેવી ઘટના: માસૂમ બાળકની નરબલિ, યુપી પોલીસનો કોન્સ્ટેબલ જ નીકળ્યો હત્યારો!
પોલીસે જણાવ્યું કે, હત્યાની ઘટના બાદ પ્રાથમિક તપાસમાં હર્ષ વ્યાસે તેના પિતા નરેશભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે. જેથી હર્ષ વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. મૃતકના પત્ની સ્મિતાબેન હત્યા સમયે ઘટના સ્થળે હાજર હતા પરંતુ, હત્યામાં તેમનો કોઈ રોલ હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. જેથી, હત્યાના ગુનાની ફરિયાદમાં આરોપી તરીકે રહેલા સ્મિતાબેનનું નામ આરોપી તરીકે રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
પતિએ પત્નીને ગોળી મારી કરી હતી આત્મહત્યા
થોડા દિવસ પહેલા રાજકોટમાં પતિએ પહેલા પત્નીને ગોળી અને બાદમાં પોતાને પણ ગોળી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પત્નીના ભત્રીજા સાથે આડા સંબંધના કારણે આ ખુની ખેલ ખેલાયો હતો.



