‘નકલી શક્તિ’નો ખેલ ખતમ: રાજકોટમાં દવાની આડમાં ચાલતું સેક્સ પાવર વધારવાના નામે ઠગાઈનું કોલ સેન્ટર પકડાયું…

રાજકોટઃ ભાયાવદર પાસે કોલ સેન્ટરની આડમાં ચાલતું સેક્સ પાવર વધારવાની દવાનું કૌભાંડ ઝડપાયું હતું. મેડિકલ સ્ટોરમાં ધમધમતા કોલ સેન્ટરને ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા તમામ લોકોની ઉંમર 19 થી 24 વર્ષ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટેલીકોલિંગ માટે દરેક વ્યકિતને રૂ. સાત હજારના માસિક પગારથી કામકાજ પર રાખવામાં આવ્યા હતા. રાજકોટ ગ્રામ્યના ભાયવદર પોલીસને સરદાર ચોક ખાતે આવેલી મેડિકલ સ્ટોરમાં કોલ સેન્ટરની આડમાં સેક્સ વર્ધક દવાઓનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી.
કોલ સેન્ટરના માધ્યથી ગ્રાહકોને લલચાવી, ફોસલાવી સેક્સ સ્ટેમીની વધારવા માટેની તેમજ વજન ઘટાડવાની અને ડાયાબિટીસની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવામાં આવતી હતી. તેમજ વેચાણ કરનારા વ્યક્તિઓ તેમની ઓળખ ડોક્ટર તેમજ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે આપતા હતા. જો કોઈ ગ્રાહક ઓર્ડર કેન્સલ કરે તો તેને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી.
પોલીસે રેડ દરમિયાન 68,752 રૂપિયાની દવાઓ, 13 મોબાઇલ, લેપટોપ મળી કુલ 3,96,972 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. તેણે તેના મિત્ર સાથે મળી સોશિયલ મીડિયા માધ્યમથી જાહેરાત કરી હતી.
કોઈ વ્યક્તિ આ જાહેરાત પર ક્લિક કરે તો એક ફોર્મ ખૂલતું હતું. જેમાં વ્યક્તિએ વિગતો ભરવાની હતી અને તેમની ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવતો હતો. ઓર્ડર કન્ફર્મ થયા બાદ ડિલિવરી કરવામાં આવતી હતી. જો કોઈ વ્યક્તિ ઓર્ડર રદ કરે તો તેને પોલીસ ફરિયાદ કરવાની અને ખાનગી માહિતી જાહેર કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત બ્લેકમેલ કરતા હતા. આરોપીઓ 120 રૂપિયાની કિંમતની દવા 1200 રૂપિયામાં વેચતા હતા.
પોલીસ હાલમાં આરોપીઓ પાસેથી છેલ્લા બે મહિનામાં મળી આવેલા ગ્રાહકોની યાદીની તપાસ કરી રહી છે. જાણવા મળ્યું છે કે આરોપીઓએ છેલ્લા બે મહિનામાં લગભગ 4,000 જેટલા લોકોનો સંપર્ક કર્યો હતો. આ ગ્રાહકોમાંથી કેટલાક રાજકોટના, કેટલાક ગુજરાતના અન્ય જિલ્લાના અને કેટલાક ગુજરાત બહારના પણ છે.
પોલીસ હવે આ તમામ ગ્રાહકોનો સંપર્ક કરીને તેમના નિવેદનો નોંધશે. જોકે, પોલીસ દ્વારા તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.