નાતાલના દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાશે

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઐતિહાસિક 60મો પદવીદાન સમારોહ આગામી તા. 25 ડિસેમ્બરના રોજ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે યોજાશે. આ સમારોહ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રદ્યુમન વાજાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ વર્ષે યુનિવર્સિટી પણ તેના 60મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે આ પદવીદાન સમારોહ વધુ વિશેષ બની રહેશે.
આ વર્ષના પદવીદાન સમારોહમાં કુલ 16 વિદ્યાશાખાના 43,900 જેટલા દીક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. રાજ્યપાલના હસ્તે 72 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 175 ગોલ્ડ મેડલ અને 270 પ્રાઈઝ સહિત કુલ 445 એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવશે. ગોલ્ડ મેડલની સંખ્યાની દૃષ્ટિએ મેડિસિન વિદ્યાશાખામાં સૌથી વધુ 79 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક વિજેતાઓમાં દીકરીઓએ દીકરાઓ કરતાં ઘણો મોટો દબદબો જાળવી રાખ્યો છે. યુનિવર્સિટી તરફથી એનાયત થનારા 72 તેજસ્વી વિદ્યાર્થીઓમાં 56 દીકરીઓ સામે દીકરાઓ માત્ર 16 જ છે.
આ પણ વાંચો…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગેરરીતિ આચરતા વિદ્યાર્થીઓને કરી આકરી સજા, એકને 10,000 રૂપિયાનો દંડ



