સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસામાં પણ નહીં જાય વીજળી, 90 હજાર કિ.મી. ખુલ્લી વીજલાઇનો કવર કરવામાં આવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકોને હવે ચોમાસામાં પવનના કારણે વીજતાર અથડાવાથી થતા સ્પાર્ક, વીજળી ગુલ થવા, કે વૃક્ષની ડાળી તૂટવાથી લાઈન ભંગાવાના બનાવોમાંથી મુક્તિ મળશે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડદ્વારા એક ‘ભગીરથ વિકાસ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત ખુલ્લી 11 કે.વી.ની વીજલાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર કંડક્ટર (એમવીસીસી) લાઈનોમાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: વીજ ગ્રાહકો માટે બેસ્ટ ઉપક્રમની અભય યોજના
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ આ પ્રોજેક્ટ હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 62 લાખ વીજ ગ્રાહકોને વીજળી પૂરી પાડવામાં આવે છે, જેમાં 2.5 લાખ કિ.મી.થી વધુ હાઈટેન્શન અને એક લાખ કિ.મી.થી વધુ લો ટેન્શન વીજલાઈનનો સમાવેશ થાય છે.
પીજીવીસીએલ દ્વારા કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ.સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 21 હજાર કિ.મી. વીજલાઈનોને એમવીસીસીમાં રૂપાંતરિત કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટની વિશાળતા સમજાવતા તેમણે કહ્યું કે, સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ હેઠળ આગામી ત્રણ વર્ષની અંદર ₹2400 કરોડના ખર્ચે કુલ 90 હજાર કિ.મી. જેટલી ખુલ્લી વીજલાઈનોને એમવીસીસીમાં બદલવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે.
વર્તમાન સમયમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા જિલ્લાઓમાં ₹86.56 કરોડના ખર્ચે 30,243 કિ.મી. એમવીસીસી લાઈન લગાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે. નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં 33,609 કિ.મી. વીજલાઈનોને એમવીસીસીમાં રૂપાંતરિત કરવાના લક્ષ્યાંક સાથે ₹41.61 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ પગલું પૂર્ણ થતાં જ સૌરાષ્ટ્ર-કચ્છના વીજવિક્ષેપ અને અકસ્માતો ભૂતકાળ બની જશે અને ગ્રાહકોને અવિરત વીજપૂરવઠો મળતો થશે.