
રાજકોટઃ રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. 129.61 કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન પદે આવતાં જ લોકોને પાણી માટે વલખા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. 17 ફેબ્રુઆરી, 2014માં “સૌની યોજના” થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી લાવવાની યોજનાને અમલમાં મૂકી હતી.

આજે ચાર લિંક દ્વારા આ યોજના થકી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે. “સૌની” યોજનાની લિંક-1 દ્વારા મચ્છુ-2થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી 208 કિ. મી. લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તો લિંક-2 દ્વારા લીંબડીના ભોગાવોથી અમરેલી સુધી 299 કિલોમીટર, લિંક-3 દ્વારા ધોળીધજા ડેમથી દ્વારકાના સોરઠી ડેમ સુધી 299 કિ.મી. અને લિંક-4 દ્વારા લીમડીના ભોગાવો ડેમ-2થી ગીર સોમનાથના હિરણ-2 ડેમને 565 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વાર જોડવાની કામગીરી થઈ રહી છે. આ સાથે જ મૂળ પાઇપલાઇનથી બંને બાજુ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા કોઈ પણ બાકી રહેતા ડેમો, ચેકડેમ, તળાવને પણ આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે.
જે આયોજન અંતર્ગત જ લિંક-3 માંથી ત્રંબા પાસે પંપીંગ સ્ટેશન ઊભું કરીને અલગ-અલગ 3(ત્રણ) પાઇપલાઇન નેટવર્ક થકી રાજકોટ તાલુકાના 30 ગામ, કોટડાસાંગાણી તાલુકાના 8 ગામ અને જસદણ તાલુકાના 3 ગામ મળી કુલ 41 ગામોને સિંચાઇ માટે નર્મદાના નીર આપવા “સૌની” યોજના અંતર્ગત જોડવામાં આવશે. આ યોજના થકી અંદાજીત 145.164 કિલોમીટર લંબાઇની પાઇપલાઇન દ્વારા કુલ 2100 હેક્ટર (5190 એકર) જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.

લિંક-4ના પેકેજ 1 થી 5 માં રૂ. 4.26 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, અમરેલી જિલ્લાના બાબરા, રાજકોટ જિલ્લાના વિંછીયા, જસદણ અને ગોંડલ તાલુકાઓના 65 મોટા તળાવ અને ચેકડેમને જોડવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
આ 41 ગામોને લાભ થશે
સૌની યોજના લિંક-3 ત્રંબા પાસે પપીંગ સ્ટેશન ઉભુ કરી અલગ-અલગ નેટવર્ક થકી રાજકોટ તાલુકાના 30 ગામ કોટડાસાંગાણીના 8 ગામ જસદણ તાલુકા 3 ગામો લાભ મળશે.
રાજકોટ તાલુકાના લોધીડા, કાથરોટા, પાડાસણ, લાખાપર, રાજસમઢીયાળા, અણીયાળા, સર, નવાગામ, ચિત્રાવાવ, ઢાંઢણી, ઢાંઢીયા, ડેરોઇ, ગોલીડા, સાજડીયાળી લીલી, સાજડીયાળી સુકી, ભુપગઢ, વડાલી, લોઠડા, સરધાર, ભંગડા, ભાયાસર, ખારચીયા, હલેન્ડા, હરિપર, મકનપર, બાડપર, ઉમરાળી, હોડથલી, રામપરા, હડમતીયા એમ કુલ 30 ગામો, કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા, ભાડુઇ, રાજપરા, નારણકા, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા, જુના રાજપીપળા એમ કુલ 08 ગામો તેમજ જસદણ તાલુકાના બોધરાવદર (ફાડદંગ), ગઢડીયા, વીરનગર એમ કુલ 03 ગામો મળીને કુલ 41 ગામોના લોકોને “સૌની” યોજનાનો લાભ મળશે.