
રાજકોટઃ શહેરમાં ત્રણેક દિવસ અગાઉ બસ અકસ્માતના ચાર જણે જીવ ગુમાવ્યા હતા. માતેલા સાંઢની જેમ આવેલી સિટી બસે ચાર જણને કચડી નાખ્યા હતા, ત્યાં ફરી એક વિચિત્ર અકસ્માતમાં ચાર જણના જીવ ગયા છે. અહીંના સરધાર-ભાડલા રોડ પર શનિવાર સાંજે અલ્ટો અને હોન્ડા સિટી કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળતા અંદર બેઠલા ચાર જીવતે જીવ સળગી ગયા હતા. બંને કાર વચ્ચે ટક્કર થયા બાદ ગણતરીની સેકન્ડોમાં જ આગ વિકરાળ બનતા કારમાં સવાર ચારના મોત થયા હતા. જ્યારે ચાર લોકો દાઝી જતા સારવાર માટે ખસેડાયા હતા.
ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર રાજકોટના સરધાર-ભાડલા રોડ પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ આગ ફાટી નીકળતા કારમાં સવાર ચાર લોકો ભડથું થયા હતા. મૃતકોમાં (૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, 30, રે. ગોંડલ (૨) હેતવી અતુલભાઈ મકવાણા, 4 વર્ષ, રે. ગોંડલ (૩) હેમાંશી સાહિત સરવૈયા, 19, રે. ગોંડલ વિજય નગર (૪) મિતુલ અશોકભાઈ સાકરીયા, 13, રે. ગોંડલનો સમાવેશ થતો હતો. જ્યારે ચાર જણ ઇજાગ્રસ્ત (૧) શાહીલ સરવૈયા, 22 વર્ષ, રે. ગોંડલ (૨) હિરેન અતુલ મકવાણા, 15 વર્ષ, રે. ગોંડલ (૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, 40, રે. ગોંડલને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાની જાણ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આપણ વાંચો : ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના ઉકેલ માટે લીધો મહત્વનો નિર્ણય