બેંકમાંથી સવા કરોડના દાગીના ગાયબ થતા રાજકોટના દંપતીની ગુજરાત હાઈ કર્ટમાં ધા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ રાજકોટ સ્થિત એક દંપતીએ ઇન્ડિયન બેંક સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બે લોન માટે ગીરવે રાખેલા રૂ. ૧.૧૫ કરોડના સોનાના દાગીના બેંકની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયા હતા, છતાં તેમને જણાવવામાં આવ્યું ન હતું અને તેમની પાસેથી વ્યાજ પણ વસૂલાતું હતું.
અરજદાર સંગીતા શાહ અને શ્યામ શાહ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે તેમણે ૨૦૨૩માં ૧,૦૦૪.૧ ગ્રામ ૨૨ કેરેટ સોનું ગીરવે મૂકીને બે એમએસએમઈ જ્વેલરી લોન લીધી હતી. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જ્યારે તેમણે રિન્યુઅલ માટે બેંકનો સંપર્ક સાધ્યો ત્યારે બેંકે તેમને બીજા દિવસે જાણ કરી કે દાગીના ગુમ છે અને તેમને પ્રતિ ગ્રામ (૨૪ કેરેટ) રૂ. ૧૦,૮૧૩ ના દરે વળતર આપવાની ઓફર કરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાત હાઈ કોર્ટે કેસોનું ભારણ ઘટાડવા શું લીધો નિર્ણય?
બેંકે પાછળથી કહ્યું કે માર્ચ ૨૦૨૫ થી દાગીના ગુમ છે અને જુલાઈમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એફઆીઆર દાખલ થઈ ન હતી અને તે અંગે કોઈ માહિતી પણ બેંક પાસે ન હતી.
આ દરિમયાન બેંક દ્વારા એનપીએ વર્ગીકરણની ધમકી આપવામાં આવી હતી, દંડ લાદવામાં આવ્યો હતો અને તેમના ક્રેડિટ સ્કોર્સને અસર થઈ હતી, જેના કારણે દંપતીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
તેમણે કેન્દ્ર અને આરબીઆઈને બેંક સામે કાર્યવાહી કરવા અને વળતરનો આદેશ આપવા અથવા સ્વતંત્ર તપાસ નિયુક્ત કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. પ્રારંભિક સુનાવણી પછી, કોર્ટે કેન્દ્ર, આરબીઆઈ અને ઇન્ડિયન બેંકને નોટિસ જારી કરીને 27 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે, તેમ અહેવાલો જણાવે છે.



