સાયકલ ખરીદી પર RMC દ્વારા 1000 ની સબસીડી છતાં વેંચાણ ઘટ્યું….

રાજકોટ: કોરોનાની મહામારીના સમયમાં લોકો સાયકલને પરિવહનના સાધન તરીકે વાપરતા થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાએ સાયકલ ખરીદીને પ્રોત્સાહન આપવા અર્થે સાયકલ પ્રમોશન યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા પ્રત્યેક સાયકલ ખરીદી પર રૂ.1000ની સહાય આપતી હતી. આ માટે બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવતી હતી. પરંતુ ગત વર્ષે સાયકલ ખરીદીમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો: વાહ રે સરકારઃ હજારો સાયકલ ભંગારમાં પડી છેં ને નવી સાયકલોનું ટેન્ડર જાહેર
1000 રૂપિયાની સબસિડી
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2019ના કોરોનાના સમયથી સાયકલની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સાયકલની ખરીદી પર પ્રતિ વ્યક્તિને 1000 રૂપિયાની સબસિડી આપવાની શરૂઆત કરી હતી. મનપાની આ યોજનાનો ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. પરંતુ, યોજનાના પ્રારંભના ગાળાની સરખામણીએ ગયા વર્ષે સાયકલની ખરીદીમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021-22માં કુલ 3414 સાયકલનું વેંચાણ થયું હતું. જ્યારે મનપા દ્વારા 1000ની સબસિડી આપવામાં આવતી હોવા છતાં વર્ષ 2023-24માં આ વેંચાણની સ્થિતિ 1340 સુધી પહોંચી હતી.
ઓનલાઈન અરજીની સુવિધા
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના માટે વર્ષ 2019થી 2024 સુધીમાં રાજકોત મનપાએ 11,860 અરજીઓને મંજૂર કરીને 1.18 કરોડ રૂપિયાની સબસિડી ચુકવી છે. યોજનાના પ્રારંભિક ગાળામાં વોર્ડ ઓફિસમાં સાયકલ સબસિડીના ફોર્મ ભરવા પડતા હતા, પરંતુ યોજનાને પ્રતિસાદ મળતા તેના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની પણ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.