રાજકોટ

GETCOમાં ભરતી કે ગેરરીતિ? યુવરાજસિંહે પુરાવા સાથે સરકારને ઘેરી, રાજકારણમાં ગરમાવો

રાજકોટઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જેટકોની વિરુદ્ધમાં સણસણતા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લી બે ત્રણ ભરતીઓથી માંડી અત્યારે જુનાગઢમાં ચાલી રહેલ યુનિયન નું ગેટ ટુ ગેધર તમામ જગ્યાએ જેટકો નિયમોને ઘોળીને પી ગયું છે. આવશ્યક સેવામાં આવતું જેટકો, તથા સમગ્ર ગુજરાતનો વીજ વિભાગ એન્જિનિયર વગર રામ ભરોસે ચાલશે. ખાનગી યુનિયનના ગેટ ટુ ગેધરમાં પ્રજાના પૈસે આવેલી સરકારી ગાડીઓ તથા વીજ પાવરનો ગેર ઉપયોગ કરી તાઇફાઓ કરી રહ્યા છે.

આ ઉપરાંત તેમણે કહ્યું, ભૂતકાળમાં થયેલી ભરતીઓ ગેરકાયદેસર સાબિત થયેલ અને કેન્સલ પણ કરવામાં આવી હતી. છતાં પણ જવાબદાર અધિકારીઓ સામે કોઈ ફરિયાદ થઈ નથી. નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર છવાયેલો છે. આવતીકાલે અગત્યની બે પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા નું પ્રથમ ચરણ એટલે કે લેખિત પરીક્ષા છે પરંતુ સમગ્ર ગુજરાતનો એન્જિનિયરિંગ સ્ટાફ જુનાગઢ ખાતે પિકનિક બનાવી રહ્યો છે. યુવરાજસિંહ એ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ ભરતીમાં પણ ભ્રષ્ટાચાર થવાની આશંકા છે.

આ પણ વાંચો: રાજ્યમાં રૂ. બે લાખમાં પીટીસી સીટ વેચાતી હોવાના દાવાથી ખળભળાટ

જે વીજ જોડાણ મેળવવા માટે સામાન્ય પ્રજાએ બહુ બધી સરકારી નિયમોની આંટી ઘૂંટીમાંથી પસાર થવું પડે છે છતાં તાત્કાલિક વીજ જોડાણ ખેતી માટે કે ઉદ્યોગ માટે પણ મળતું નથી. પરંતુ જૂનાગઢ ખાતે સમગ્ર ગુજરાતના એન્જિનિયરનું ખાનગી યુનિયન જલસા કરવા પહોંચી ગયું છે. તેમને 11 કેવીની બે લાઈનો બે કિલોમીટર લાંબી અને હજારો થાંભલા નાખી તાત્કાલિક ફાળવવામાં આવી તે કોના કહેવાથી અને કઈ સરકારી નિયમોને આધીન ફાળવવામાં આવી તે સરકાર તપાસ કરશે? આ લાઈનનો અંદાજિત ખર્ચ બે કરોડની આસપાસ છે તે કોણે ભર્યો? પ્રાઇવેટ યુનિયન માટે થઈ અને પ્રજાના ટેક્સના પૈસા અને સરકારના પૈસા વેડફી શકાય કે નહીં?

ખાનગી યુનિયનના સંમેલનમાં ટીએડીએ મળે કે નહીં? આવક જાવક સરકારી ગાડીનો ઉપયોગ કરી શકાય કે નહીં? દૈનિક ભથ્થું મળે કે નહીં? જે તે વિસ્તારમાં વીજ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? જવાબદાર અધિકારી કે તેને રજા મંજૂર કરવા વાળા અધિકારી? અને આવી રજા લીધી હશે કે કેમ? કારણ કે એક સાથે તમામને ક્યારેય રજા મળી શકે નહીં.

યુવરાજ સિંહે આધાર પુરાવા સાથે તમામ આક્ષેપો કર્યા છે. હવે જોઈએ કે સરકાર જેટકો તથા ગુજરાતના વીજ વિભાગના તમામ વિભાગીય ક્ષેત્રો ના તકનીકી સ્ટાફને શું સજા કરે છે? સામાન્ય પ્રજામાં દિવસે દિવસે એવી લાગણી પ્રસરતી જાય છે કે નિયમો સામાન્ય માણસ માટે જ છે.જે સક્ષમ છે, પહોંચ ધરાવે છે, સરકારમાં છે કે સરકારી કર્મચારી છે તેઓને કોઈ નિયમો લાગુ પડતા નથી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button