પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે આપઘાત કર્યો | મુંબઈ સમાચાર
રાજકોટ

પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા રાજકોટના રમેશચંદ્ર ફેફરે આપઘાત કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: શહેરના રહેવાસી અને પોતાની જાતને ભગવાન શ્રીવિષ્ણુના દસમા અવતાર કલ્કિ ગણાવતા તેમ જ આ પૂર્વે અનેકવાર વિવાદોનું કેન્દ્ર બનેલા રમેશચંદ્ર ફેફરે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશચંદ્ર ફેફરે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. રમેશચંદ્ર ફેફરના પત્ની અને પુત્ર બંને વિદેશમાં રહેતા હોય એકલતાથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર શારદાનગરમાં પાસે બંસરી સોસાયટીમાં રહેતા અને સિંચાઈ વિભાગના નિવૃત્ત એન્જિનિયર રમેશચંદ્ર ફેફર પોતાને ભગવાન વિષ્ણુનો દસમો કલ્કિ અવતાર ગણાવતા હતા અને તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે, જે માતા સાથે લંડનમાં રહે છે અને રમેશચંદ્ર અહીં એકલા રહેતા હતા.

ઉલ્લેખનીય છે રમેશચંદ્ર પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કિ ગણાવતા હતા. તેમણે કરેલા વિવાદિત નિવેદનોને કારણે તેમણે શિષ્ટ સમાજનો રોષ વહોરી લીધો હતો. તેમણે વડોદરામાં અધીક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી હતી અને નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખી તેઓ ભગવાન વિષ્ણુના દસમા અવતાર હોવાનો દાવો કર્યો હતો અને તેના એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુઇટી આપવા કહ્યું હતું, અને જો આમ નહિ કરવામાં આવે તો તેઓ વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડશે તેવી વાત કરી હતી.

આ પણ વાંચો…રમેશ ફેફરની આત્મહત્યાઃ મહાનતાનો ભ્રમ શું છે આ માનસિક બીમારી, જાણો વિગતવાર

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button