રાજકોટ ભાજપમાં ભડકોઃ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નામની બાદબાકી

રાજકોટઃ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં નહીં આવે તે પ્રકારનો નિર્ણય રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું..
રામભાઈ મોકરીયાના વાણી વર્તન અંગે શહેર ભાજપમાં ફરિયાદો ઉઠ્યા બાદ આકરો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સત્તાવાર રીતે રાજકોટ શહેર પ્રમુખ માધવ દવે દ્વારા આ બાબતને સમર્થન આપવામાં આવ્યું નથી.
પરંતુ સૂત્રો મુજબ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો સાથે વાતચીત કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 13માં નંદઘરના લોકાર્પણના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જે લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત આમંત્રણ પત્રિકા પણ બનાવવામાં આવી હતી.
જે આમંત્રણ પત્રિકામાં રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા, ધારાસભ્યો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓના નામ લખવામાં આવ્યા હતા. જોકે, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નામ આ આમત્રણ પત્રિકામાં જોવા મળ્યું નહોતું, તેમના નામની બાદબાકી કરવામાં આવી હતી. જેના કારણે રાજકોટનું રાજકારણ ગરમાયું હતું.

આપણ વાંચો: VIDEO: કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરની સલાહનો રાજકોટ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે, હાલ રાજ્યસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી રામભાઈ દિલ્હી છે. જેના કારણે તેમણે રાજકોટ મહાનગરપાલિકામાં યોજાયેલ કાર્યક્રમમાં હાજરી નથી આપી. રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમો તેમજ શહેર ભાજપના કાર્યક્રમોમાં રામભાઈના નામની બાદબાકીથી સ્થાનિક રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.
મોકરિયાનું નામ ગાયબ તો રૂપાલાનું નામ કેવી રીતે ?
રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદનું નામ ન હોવા પાછળ એવો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે કે, આ કાર્યક્રમ હતો ત્યારે સંસદનું સત્ર ચાલુ હતું અને રામભાઈ દિલ્હીમાં હતા.
જો કે, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રુપાલા પણ સત્ર ચાલી રહ્યું હોવાથી દિલ્હીમાં છે, તેમ છતા તેમનું નામ 1 ઓગસ્ટના બંને કાર્યક્રમમાં જોવા મળી રહ્યું છે.
આપણ વાંચો: ‘મુંબઈ સમાચાર’ નૉટઆઉટ@200: રાજકોટમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ
કોણ છે રામભાઈ મોકરીયા
રામભાઈ મોકરીયાએ 1976માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તેઓ 1979 થી 1995 સુધી ભાજપના કાઉન્સિલર રહ્યા.
ત્યારબાદ તેઓ 2021માં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. : તેઓ જાણીતી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપની શ્રી મારુતિ કુરિયરના ચેરમેન છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી B.A. અને L.L.B. ની પદવી મેળવી છે.