અષાઢ વિત્યા બાદ પણ રાજકોટના સૌથી મોટા ત્રણ જળાશયો ખાલી!
રાજકોટ: સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી છે અને અનેક નદીઓમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થવાના લીધે અનેક જળાશયો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ પર ઘણો ઓછો વરસાદ પડ્યો છે. સ્થિતિ તો એવી છે કે જિલ્લાના સુથી મોટા જળાશયો ગણાતા ભાદર, આજી અને ન્યારી હજુ ખાલી પડ્યા છે. આ વર્ષે મહત્વના એવા ત્રણ ડેમો ન ભરાય તો નર્મદાના નીરને ઠાલવવા પડશે.
ચાલુ વર્ષે પૂરા રાજયમાં ચોમાસુ અત્યાર સુધી ઘણુ સારૂ રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતની જેમ રાજકોટમાં નોંધપાત્ર વરસાદ હજુ વરસ્યો નથી. રાજકોટ શહેરમાં આજ સુધીમાં સીઝનનો કુલ વરસાદ 14.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજકોટમાં રોજિંદા હળવા વરસાદ અને ઝાપટા સિવાય નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. તેમાં પણ આઠ દિવસથી ઝાપટા પણ બંધ થઇ ગયા છે.
આ પણ વાંચો : સરદાર સરોવર ડેમની સપાટી 70 ટકાને પાર; ડેમમાંથી 28,464 કયુસેક પાણી છોડાયું
રાજકોટમાં દૈનિકના 20 મિનિટ પાણી વિતરણની વ્યવસ્થા જાળવવા આશરે 380 એમએલડી પાણીની જરૂર રહે છે. પાણીની આ જરૂરિયાત આજી 1, ન્યારી 1 અને ભાદર 1માંથી પૂર્ણ થાય છે. આ ત્રણે ડેમોમાંથી 300 એમએલડી તથા વધારાનું 120 એમએલડી નર્મદાનીર પાઈપલાઈન મારફતેથી મળે છે. ચોમાસું પૂર્ણ થયા પહેલા જો આ ત્રણે મહત્વના ડેમો નથી ભરાતા તો આગામી સમયમાં રાજકોટમાં દૈનિક પાણી વિતરણ માટે જ નર્મદાના નીર પર આધાર રાખવો પડશે.
ત્રણે જળાશયોની હાલની સ્થિતિ જોવામાં આવે તો આજી-1 ડેમની સંગ્રહ ક્ષમતા 29 ફુટની છે જ્યારે હાલ તેમાં 19.60 ફુટ પાણી રહેલું છે. તો ન્યારી-1 ડેમની સંગ્રહ ક્ષમતા 25 ફુટની છે અને હાલ 14.40 ફુટ જળસંગ્રહ છે. રાજકોટ શહેરમાં આજી ડેમ મોટા ભાગના પૂર્વ ઝોન અને ન્યારી ડેમ મોટા ભાગના વેસ્ટ ઝોનને પાણીનો પુરવઠો પૂરો પાડનાર છે. જ્યારે રાજકોટ જિલ્લાનો જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં હાલ 21.60 ફુટ જલસંગ્રહ છે જ્યારે ડેમની ઉંડાઇ 34 ફૂટ છે.