મેળો રહેશે મોળો: મોટી રાઇડ્સ વિના જ રાજકોટના લોકમેળાની શરૂઆત
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સહન ગણાતા જન્માષ્ટમીના લોકમેળાને લઈને પ્રશ્ન ગૂંચવાયો હતો પરંતુ અંતે તંત્રએ ગૂંચવણને સુલઝાવીને આજે સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળાનું મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખૂબ જ લાંબા સમયથી રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહિ તેને લઈને પ્રશ્નો ઊભા થયા હતા જઓ કે અંતે આજે ખુલ્લો મૂકવામાં આવતા રાજકોટ વાસીઓમાં ભારે રોમાંચ છે.
જો કે આ વર્ષે રાજકોટનો લોકમેળો કોઈપણ પ્રકારની મોટી રાઇડ્સ વિના જ યોજાવા જઈ રહ્યો છે, તંત્ર દ્વારા અગ્નિકાંડ બાદ મેળાને લઈને SOPની કડક અમલવારીને પક્ષે તંત્ર અડીખમ ઊભું રહ્યું હતું. લોકોની સુરક્ષાને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ એસઓપી બાબતે કોઈપણ પ્રકારની છૂટ આપવાની મનાઈ ફરમાવતાં આ વર્ષે મેળો નાની રાઇડ્સ સાથે જ યોજાશે.
લોકમેળાના ઉદ્ઘાટન દરમિયાન રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, માણસોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આથી નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. રાઈડ્સ સંચાલકોએ સરકારના નિયમોનું પાલન કરશે તો મંજૂરી આપવામાં આવશે. વહીવટી તંત્ર સાથે મળીને ચર્ચા કરી યાંત્રિક રાઈડ્સ શરૂ કરવા માટે રાજકોટ વહીવટી તંત્રને સૂચન રાધવજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.