રાજકોટ

રાજકોટના પુલો જોખમમાં? કોંગ્રેસની તત્કાળ સમારકામ અને કેસરી હિન્દ પુલની મુદત પૂર્ણ થયાની રજૂઆત

રાજકોટ: મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા મહત્વના મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજકોટમાં શહેર કોંગ્રેસ સમિતિએ શહેરના ઓવરબ્રિજ અને અંડરબ્રિજના તાત્કાલિક સમારકામની અને ખાસ કરીને 1879માં આજી નદી પર બનેલા ઐતિહાસિક કેસરી હિન્દ પુલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવાથી તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અને તાજેતરમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલા લોકોના મૃત્યુના સંદર્ભમાં કોંગ્રેસે તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મોરબી દુર્ઘટના બાદ હાઈકોર્ટે રાજ્યના તમામ બ્રિજનું વર્ષમાં બે વખત નિરીક્ષણ કરવા અને બ્રિજ અંગે નવી નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો. આ જોગવાઈ હેઠળ ચોમાસા પહેલા અને ચોમાસા પછી બ્રિજનું નિરીક્ષણ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, અને સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયરને પણ રેન્ડમ ધોરણે બ્રિજની ચકાસણી કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસનો આક્ષેપ છે કે આ આદેશોનું રાજ્ય અને શહેર-જિલ્લામાં ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બની રહી છે.

ઐતિહાસિક કેસરી હિન્દ પુલ ચર્ચાનું કેન્દ્ર

ગંભીરા બ્રીજ દુર્ઘટના બાદ રાજકોટમાં આજી નદી પર આઝાદી પૂર્વે 1879માં બનેલો ઐતિહાસિક કેસરી હિન્દ પુલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, આ પુલનું આયુષ્ય એક દાયકા પહેલાં જ પૂર્ણ થઈ ચૂક્યું છે. 1965ના યુદ્ધમાં જામનગરથી કચ્છ જવા માટે આ પુલનો ઉપયોગ થયો હતો.

કાર્યવાહી નહીં થતા મોટી દુર્ઘટનાનો ભય વધ્યો

ત્યારબાદ 1991માં તત્કાલીન રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આ પુલને 14 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે પુલના જૂના જોઈન્ટ્સ (આર્ચ) ખુલી ગયા હોવાથી એક કંપનીને કોન્ટ્રાક્ટ આપી 25 વર્ષની ગેરંટી સાથે જોઈન્ટ્સ મજબૂત કરવાની કામગીરી કરાવાઈ હતી. આજે આ ગેરંટીની મુદ્દત પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતા મોટી દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે.

R&B અધિકારીઓની કામગીરીમાં બેદરકારીનો આક્ષેપ

ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં રાજકોટ સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે કોંગ્રેસે રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ જાનહાની ન થાય તે માટે તકેદારીના આગોતરા આયોજનના ભાગરૂપે તમામ બ્રિજનું તાત્કાલિક નિરીક્ષણ કરી સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવા અપીલ કરી છે.

આપણ વાંચો:  ઈટાલિયા-અમૃતિયા વિવાદમાં ખોડલધામ નરેશની એન્ટ્રી, જાણો શું કહ્યું

અંડરબ્રિજમાં ખાડા કે તૂટેલી રેલિંગનું સમારકામની વિનંતી 

કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરીમાં બેદરકારી અને લાપરવાહીનો આક્ષેપ કર્યો છે. તેમણે ભયજનક પુલો પર ઓવરલોડિંગ વાહનો પર પ્રતિબંધ લાદવા, ભયજનક બ્રિજોનું તાત્કાલિક સમારકામ કરવા અને વાહનચાલકોને દેખાય તેવા સાઈન બોર્ડ મૂકવાની પણ માંગ કરી છે. આ ઉપરાંત, અંડરબ્રિજમાં ખાડા કે તૂટેલી રેલિંગનું પણ તાત્કાલિક સમારકામ કરવા વિનંતી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button