રાજકોટમાં દૂષિત પાણીનો મામલો ગરમાયોઃ 26 સેમ્પલ ફેઇલ!
નાગરિકોના આરોગ્ય સામે ખતરો, વિપક્ષના આકરા પ્રહાર

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને પુરા પાડવામાં આવતા પાણીની ગુણવતા સામે પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે છેલ્લા બે મહિનાની અંદર લેવામાં આવેલા પીવાના પાણીના હજારો નમૂનામાંથી 26 નમૂના ફેલ થયા હતા. આ મામલે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાએ રાજકોટ મનપાનાં તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.
મળતી વિગતો અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 2 જુનથી લઈને ૨૧ જુલાઈ સુધીમાં મનપા હેઠળના શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પાણીના આશરે ૩,૦૦૦ જેટલા નમૂના લેવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: Ahmedabad શહેરમાં કોર્પોરેશન દ્વારા અપાતું પાણી પીવાલાયક છે કે નહિ ? જાણો અહેવાલ
આ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવતા તેમાંથી 26 જેટલા નમૂનાઓ ફેઈલ થયા હતાં. આથી શહેરના ઘણા વિસ્તારોમાં વિતરણ કરવામાં આવેલા પાણીની ગુણવતા અને લોકોના આરોગ્ય અંગે પ્રશ્નો ખડા થયા હતાં. આ મુદ્દે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ મહાનગરપાલિકાના તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ મનપાનાં શાસકો પર આરોપો લગાવતા જણાવ્યું કે, અમે પાણી વિતરણ અંગે અનેક ફરિયાદો કરી છે, પરંતુ કોઈ સત્તાધીશો દ્વારા તેને ધ્યાને લેવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે જે વિસ્તારોમાંથી પાણીના નમુના લેવામાં આવ્યા હતા, તેમાં જાગનાથ, રાધાનગર, કોઠારિયા કોલોની, નારાયણનગર, જંગલેશ્વર, હુડકો ક્વાર્ટર, ભક્તિનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: સાબરમતી ગુજરાતની સૌથી પ્રદૂષિત નદી, મોદી સરકારની સંસદમાં કબૂલાત
આ વિસ્તારોમાં રહેતા હજારો નાગરિકોએ અશુદ્ધ અને દૂષિત પાણી પીવા મજબૂર થવું પડ્યું છે, જેના કારણે જળજન્ય રોગચાળાનું જોખમ વધી રહ્યું છે. તંત્રની આ બેદરકારી સીધી રીતે જ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા છે.
આ સાથે તેમણે કહ્યું હતું કે સ્વચ્છ પાણી પૂરું પાડવું એ મહાનગરપાલિકાની પ્રાથમિક અને નૈતિક જવાબદારી છે. તેમણે મનપાના તંત્ર સામે પ્રશ્ન કર્યો હતો કે પાણીના નમૂના ફેઈલ થાય એ કેમ ચાલે? તેમણે મહાનગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓને આ બેદરકારી માટે જવાબદાર ઠેરવ્યા હતાં.