સાવધાન રાજકોટવાસીઓ! આજે ૪ વોર્ડની ૧૭૦થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાની મુખ્ય પાઈપલાઈનમાં સર્જાયેલા ગંભીર લીકેજને સુધારવા માટે આજે ૩૧ જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે શટડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. મેઇન પંપ હાઉસથી ઇએસઆર તરફ જતી મુખ્ય હેડર લાઈનમાં ગંભીર લીકેજ અને ઈન્ટરસેપ્ટર વાલ્વમાં ખામી સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો. આ ટેકનિકલ ખામી દૂર કરવા અને નવા વાલ્વ બેસાડવાની કામગીરીને કારણે શહેરના વોર્ડ નંબર ૪, ૫, ૭ અને ૧૪ ના અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશે.
આ પાણીકાપને કારણે બેડી ફિલ્ટર પ્લાન્ટ, ગ્રીનલેન્ડ હેડવર્કસ અને જિલ્લા ગાર્ડન હેડવર્કસ હેઠળ આવતી ૧૭૦થી વધુ સોસાયટીઓના હજારો નાગરિકોને પાણીની અગવડતા વેઠવી પડશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વેલનાથ પરા, ભગવતી પરા, રણછોડનગર, સંતકબીર સોસાયટી, લક્ષ્મીવાડી, ગુંદાવાડી અને કેવડાવાડી જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોનો સમાવેશ થાય છે. મનપા દ્વારા આ શટડાઉન દરમિયાન જિલ્લા ગાર્ડન ખાતેના સ્ટોરેજ રિઝર્વોયરની સફાઈનું કામ પણ હાથ ધરવામાં આવશે જેથી ભવિષ્યમાં શુદ્ધ પાણી મળી રહે.
આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું રૂ. ૧,૨૦૫ કરોડનું બજેટ મંજૂર: AI શિક્ષણ અને રમતગમત પર વિશેષ ભાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટરવર્કસ વિભાગે જણાવ્યું છે કે લાઈનમાં મોટા ભંગાણને ટાળવા માટે આ સમારકામ અત્યંત અનિવાર્ય છે. આજે હાથ ધરવામાં આવનારી આ મરામતની કામગીરી પૂર્ણ થયા બાદ, આગામી રવિવારથી તમામ અસરગ્રસ્ત વોર્ડમાં રાબેતા મુજબ પાણી વિતરણ ફરી શરૂ કરવામાં આવશે.



