રાજકોટમાં લારી ખેંચતા શાકભાજીના ફેરિયાને આવ્યો એટેક, ગણતરીની સેકન્ડોમાં જ રસ્તા પર ઢળી પડ્યા…

રાજકોટ: હાર્ટ અટેકની સમસ્યા આજે સમાજ સામે એક મોટો સ્વાસ્થ્ય પ્રશ્ન બનીને ઊભી છે. કલ્પના પણ ન કરી શકાય તેવો સ્વસ્થ માણસ પણ ઘડીવારમાં જ ઢળી પડ્યો હોય તેવા અનેક બનાવો આપણી સામે આવી ચૂક્યા છે. હાલ પોલીસ ભરતી માટેની દોડમાં અનેક યુવાનો દોડ દરમિયાન અને દોડ પૂર્ણ કર્યા બાદ ઢળી પડ્યા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાં શાકભાજી વેચતા ફેરિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, જેના CCTV ફૂટેજ વાયરલ થયા છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટમાં હાર્ટ એટેકની વધતી જતી ઘટનાઓ વચ્ચે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી એક સોસાયટીમાં શાકભાજી વેચતા ફેરિયાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આ ફેરિયો દરરોજની જેમ પોતાની શાકભાજીની લારી ખેંચીને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેકનો જોરદાર હુમલો આવતા તે લારી છોડીને રસ્તા પર ઢળી પડ્યો હતો. આ સાયલન્ટ એટેક એટલો ઝડપી હતો કે તેને સંભાળવાની કે મદદ માંગવાની તક પણ ન મળી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હાર્ટ એટેક કેટલો ‘સાયલન્ટ’ અને ઘાતક બની રહ્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ માટે શારીરિક કસોટી ચાલી રહી છે, આ દરમિયાન અનેક યુવાનોનું મોત થયું હોવાના બનાવો બહાર આવ્યા છે. ગઇકાલે આવો એક બનાવ ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડ પર બન્યો હતો, જ્યાં શારીરિક કસોટીમાં પાસ થયાં બાદ એક યુવકનું મોત થયું હતું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મલરવાડી ગામના રહેવાસી 27 વર્ષીય નીતિન ચૌહાણે સોમવાર સવારે એસઆરપી ગ્રાઉન્ડ પર શારીરિક કસોટીમાં 5 કિમી દોડ 23 મિનિટમાં પૂર્ણ કરી હતી. દોર પૂર્ણ કર્યા બાદ જ્યારે તે બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને તરત જ ચેસ્ટ પેઈન થયો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને તે ત્યાંજ ઢળી પડ્યો હતો. સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો…પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં યુવકનું હાર્ટ એટેકથી મોત



