રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘરબાર છોડી ચાલ્યો ગયો

અમદાવાદઃ રાજકોટમાં ફરી વ્યાજખોરીને લીધે પરેશાન થયેલા પરિવારનો કિસ્સો બહાર આવ્યો હતો. અહીં એક યુવકે વ્યાજે લીધેલા રૂ. એક કરોડના બદલે રૂ. 10 કરોડની માગણી કરતા પરેશાન યુવકે ચીઠ્ઠી લખી ઘરબાર છોડી દીધાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ વ્યાજખોરોએ યુવકના ભાઈ પર હુમલો કર્યાનું બહાર આવ્યું હતું તો વ્યાજખોરોમાંથી એક વ્યક્તિએ વીડિયો દ્વારા પોતે આ કેસમાં સંડોવાયો ન હોવાનો અવે પોલીસને યોગ્ય તપાસ કરવાની વિનંતી કરતો વીડિયો જાહેર કર્યો હતો.
આ સમગ્ર મામલે વ્યાજની ઉઘરાણી મામલે વિજય અને ભાવેશ મકવાણા સામે વ્યાજખોરીની એક પોલીસ ફરિયાદ અને દિલીપ વીરડાને માર મારવા મામલે વિજય અને અજાણ્યા શખસો સામે બીજી ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો : વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ફિનાઇલ પીધું
રાજકોટમાં રહેતો વિશાલ વીરડાએ નામનો યુવક વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક ચીઠ્ઠી લખી હતી, જેમાં લખ્યું હતું કે વ્યાજવાળા મને સુખેથી જીવવા નહીં દે, આથી હું ઘર છોડીને જાઉં છું. વિજય મકવાણા પાસેથી મેં રૂ. એક કરોડ લીધા હતા. તેને 40 ટકા વ્યાજ આપતો હતો. રૂ. 55 લાખ ચૂકવાઈ ગયા હતા, છતાં હજુ રૂ. 2.39 કરોડની માગણી કરી રહ્યા છે. મારી પાસે રૂ. 10 કરોડની માગણી કરે છે, આથી હું ઘર છોડી જાઉં છું. વિશાલે વિજય સાથે ભાવેશ મકવાણાનું નામ પણ લખ્યું છે. ભાવેશે પોતે આમા સામેલ ન હોવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
વ્યાજખોરોએ વિશાલના ભાઈ દિલીપને માર માર્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમણે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



