1 લાખ સામે 60 હજાર ચૂકવ્યા, રિક્ષા પણ પડાવી લીધી, છતાં સાડા ત્રણ લાખની માંગણીથી કંટાળી યુવકનો આપઘાત!

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગરમાં રાજકોટમાં વ્યાજખોરોના અજગરભરડામાં વધુ એક નિર્દોષ જિંદગી હોમાઈ હોવાની ઘટના સામે આવી છે. વ્યાજખોરના અસહ્ય ત્રાસથી કંટાળીને અમિત તન્ના નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધી હતી. આપઘાત કરતા પહેલા અમિતભાઈએ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેમણે છેલ્લા છ વર્ષથી જયદીપ મૈયડ નામનો શખ્સ તેમને માનસિક અને શારીરિક રીતે હેરાન કરતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
ઘટના અંગે મૃતકની પત્નીએ ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે, અમિતભાઈએ આરોપી જયદીપ પાસેથી માત્ર એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે તેઓ 60 હજાર રૂપિયા જેવી રકમ તો ભરી ચૂક્યા હતા. આમ છતાં, વ્યાજખોરની લાલચ અટકી નહોતી. આરોપીએ અમિતભાઈ પાસેથી અગાઉથી જ આઠ કોરા ચેક પડાવી લીધા હતા, જેમાં મનસ્વી રીતે મોટી રકમ લખીને બેંકમાં જમા કરાવી દીધા હતા અને ચેક બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કરી અમિતભાઈને કાયદાકીય ગૂંચવણમાં ફસાવી દીધા હતા.
મૃતકની પત્નીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, વ્યાજખોર જયદીપે છેલ્લા ત્રણ વર્ષથી અમિતભાઈની આજીવિકાનું સાધન એવી રિક્ષા પણ બળજબરીથી પડાવી લીધી હતી. માત્ર 40 હજારની બાકી રકમ સામે વ્યાજખોર હજુ પણ સાડા ત્રણ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. વ્યાજના વિષચક્ર અને સતત મળતી ધમકીઓથી હારી જઈને અંતે અમિતભાઈએ મોતને વ્હાલું કર્યું છે. હાલ પોલીસે આ મામલે મૃતકની પત્નીના નિવેદન અને વાયરલ વીડિયોના આધારે આરોપી જયદીપ મૈયડ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મૃતકનાં પત્નીએ જ્યાં સુધી આરોપી જયદીપ મૈયડ વિરુદ્ધ ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારે તેવી માંગ કરી હતી.



