રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં વધુ એક આરોપીને જામીન મળ્યાઃ જાણો વકીલે શું કરી દલીલ…

રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એવા તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઈલેશ કેરના જામીન મંજૂર કર્યાં હતા. હાઇ કોર્ટે જામીન અરજી રદ્દ કરતા ઈલેશ ખેર દ્વારા સુપ્રીમના દ્રાર ખખડાવ્યા હતા. આ કેસમાં અગાઉ ચાર આરોપીને કોર્ટે જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં ઈલેશ ખેરના વકીલ દ્વારા જામીન બાબતે દલીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ગુનો નોંધાયાના એક વર્ષ બાદ પણ ટ્રાયલ શરૂ નથી થઈ શકી. 365 જેટલા સાહેદોને તપાસવાના હજુ પણ બાકી છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પણ એક વર્ષ બાદ જામીન મળ્યા હતા. જુદી જુદી દલીલોને ઘ્યાનમાં રાખી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર રાખવામાં આવ્યા છે.
પાંચ આરોપીનો જામીન પર છુટકારો
બનાવની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદીએ આ કેસના દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. જો કે, ત્યાર બાદ ગોકળગાય ગતિએ કાર્યવાહી થતા આ કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલા જ પાંચ આરોપીનો જામીન પર છુટકારો થઈ ચૂક્યો હતો.
પહેલા શું કરવામાં આવી હતી દલીલ
આ પહેલા સરકાર તરફે દલીલ કરવામાં આવી હતી કે, રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ચકચારી કેસમાં અન્ય આરોપીઓની જેમ રાજકોટ મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરની પણ મુખ્ય જવાબદારી બનતી હતી કારણ કે, તેમણે જ ફાયર એનઓસીથી લઇ તમામ વસ્તુઓ જોવાની અને કન્ફર્મ કરવાની રહેતી હતી.
અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા
પોલીસ તો માત્ર તેમને જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા પૂર્ણ કરી કેસ ફોરવર્ડ કરી દે પરંતુ ચીફ ફાયર ઓફિસર તરીકે ઇલેશ ખેરએ બધું ચકાસવાની, ખરાઇ કરવાની અને ત્યારબાદ જરૂરી પગલાં ભરવાની જરૂર હતી પરંતુ તે ફરજ નિભાવવામાં તેઓ સંદતર નિષ્ફળ ગયા હતા જેના કારણે આ સમગ્ર અગ્નિકાંડમાં નિર્દોષ 27 લોકો મોતને ભેટ્યા હતા.
ક્યારે બની હતી ઘટના
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024ના ભીષણ આગની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બાળકો સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા.