રાજકોટમાં 10 કરોડના ખર્ચે 8 ચોકમાં નવા સિગ્નલ, 13 ચોકમાં સીસીટીવી લગાવાશે…

રાજકોટઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વકરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. શહેરના 8 મુખ્ય અને વ્યસ્ત ચોકમાં નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે, જ્યારે 13 મહત્વના ચોકમાં ટ્રાફિક સર્વેલન્સને મજબૂત કરવા નવા સીસીટીવી કેમેરા લગાવાશે. આ બંને પ્રોજેક્ટ માટે અંદાજે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ક્યાં લગાવવામાં આવશે નવા ટ્રાફિક સિગ્નલ
નવા ટ્રાફિક સિગ્નલ લગાવવા માટે કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, કિસાનપરા ચોક, કોર્પોરેશન ચોક, ભૂતખાના ચોક, નાણાવટી ચોક, ડી-માર્ટ ચોક (કુવાડવા રોડ) અને કોઠારિયા ચોકડીની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ સ્થળો પર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિકજામની સમસ્યા ઉભી થાય છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા ટ્રાફિક સિગ્નલની માંગણી વારંવાર કરવામાં આવતી હતી. મહાનગરપાલિકાએ આ માંગણી સ્વીકારીને આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
ટ્રાફિક સર્વેલન્સને મજબૂત કરવા પુનિતનગર, મવડી ચોકડી, રેલનગર, જડ્ડુસ ચોક, રામદેવપીર ચોકડી, જિલ્લા પંચાયત ચોક, જામટાવર, જ્યુબિલી ચોક, લેલેન્ડ પોઇન્ટ, નાગરિક બેન્ક ચોક, અમૂલ ચોક, ડિલક્સ ચોક અને ગ્રીનલેન્ડ ચોકડીમાં નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગે શહેરના ટ્રાફિક કંટ્રોલ અને એન્ફોર્સમેન્ટ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા ચર્ચા યોજી હતી. આ ચર્ચામાં શહેરના 8 મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલની તાતી જરૂરિયાત હોવાનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ટ્રાફિક મોનિટરિંગને વધુ મજબૂત કરવા 13 ચોકમાં સીસીટીવલી કેમેરાનું નેટવર્ક વધારવાનો નિર્ણય લેવાયો હતો. આ પગલાંથી ટ્રાફિક નિયમન અને શહેરની સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.