રાજકોટ

રાજકોટમાં આકરી ગરમીની અસર વર્તાઇ, બીઆરટીએસની 22 બસોમાં સેન્સર ખોરવાતા મુસાફરો પરેશાન

રાજકોટ : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં સોમવારે રાજકોટ શહેરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને પાર કરી ગયો હતો. જેના લીધે શહેરમાં પરિવહન સેવા પૂરી પાડતી બીઆરટીએસ સેવાને પણ અસર થઈ હતી. સોમવારે બીઆરટીએસની 28 માંથી 22 બસોના સેન્સર ખોરવાઇ ગયા હતા. જેના લીધે પરિવહન સેવાને વ્યાપક અસર થઈ હતી. જેની બાદ રાજકોટ કોર્પોરેશને તેને રોડ પરથી દૂર કરીને તેનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું.

બસ સ્ટોપ ઓટોમેટેડ સેન્સર પર આધારિત

રાજકોટ શહેરમાં બીઆરટીએસ પરિવહન સેવા માધાપર જંકશનથી ગોંડલ જંકશન સુધીના 159 ફૂટ રિંગ રોડ પર ચલાવવામાં આવે છે. જેમાં 19 સ્ટોપ છે જે ઓટોમેટેડ સેન્સર પર આધાર રાખે છે. આ સેન્સર દરવાજાના ખોલવા અને બંધ કરવાની મહત્વપૂર્ણ સિસ્ટમને નિયંત્રિત કરે છે.જેનાથી બસના મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો

બસોને સમારકામ માટે વર્કશોપમાં મોકલવામાં આવી

આ અંગે રાજકોટ સિટી બસ સેવાનું મોનીટરીંગ કરતાં પરેશ અઢિયાએ જણાવ્યું કે વધુ તાપમાનને લીધે સેન્સર નિષ્ક્રિય થયા હતા. તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસને પાર કરતા 22 બસોમાં સેન્સર કામ કરવાનું બંધ કરી દીધું. આ બસો સેન્સર વિના ચાલી શકતી નથી. તેથી તેમને તાત્કાલિક સમારકામ માટે વર્કશોપમાં મોકલવામાં આવી હતી.

બીઆરટીએસ સેવા અચાનક ખોરવાતા મુસાફરોને હાલાકીની સામનો કરવો પડયો હતો. જેમાં વિદ્યાર્થીઓ સહિત ઓફિસ જનારા મુસાફરો પણ પરેશાન થયા હતા. તેમજ પરિવહન માટે અન્ય વાહનની વ્યવસ્થા કરવી પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button