પૈતૃક સંપત્તી મામલે રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાની બહેન અંબાલિકા દેવીએ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા…
1500 કરોડ રૂપિયાની પૈતૃક મિલકત મુદ્દે ભાઈ-બહેન કોર્ટે ચડ્યાં

રાજકોટ: રાજકોટ રાજવી પરિવારમાં 1,500 કરોડ રૂપિયાની પૈતૃક મિલકતો મુદ્દે કાનૂની લડાઈ શરૂ થઈ છે, પરિવારના એક સભ્ય ગુજરાત હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે આ મામલાની સુનાવણી 23 જુલાઈના રોજ નક્કી કરી છે. ૪૦૦ વર્ષથી વધુ જૂના રાજકોટ રજવાડાના ૧૭મા નામદાર રાજા માંધાતા સિંહ જાડેજાની બહેન અંબાલિકા દેવીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. રાજકોટ સિવિલ કોર્ટે ૨૪ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ તેમના સ્વર્ગસ્થ પિતા મનોહરસિંહ જાડેજા દ્વારા તૈયાર કરાયેલા રીલીઝ ડીડ અને વસિયતનામા પર મનાઈ હુકમ આપવાનો ઇન્કાર કર્યા બાદ તેમણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. ગયા વર્ષે તાજ પહેરાવવામાં આવેલા માંધાતા સિંહ જાડેજાની હેરિટેજ હોટલો ચેઈનનું સંચાલન કરે છે. તેમના પિતા, મનોહરસિંહ, પાંચ વખત કોંગ્રેસના ધારાસભ્ય, ગુજરાતના નાણા પ્રધાન પણ રહી ચૂક્યા છે.
2021માં, અંબાલિકા દેવીએ રાજકોટ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેમાં તેમણે તેમના ભાઈના નામે સહી કરેલા રીલીઝ ડીડ દસ્તાવેજને રદબાતલ જાહેર કરવાની માંગ કરી હતી. તેમણે તેમના પિતાના વસિયતનામાની માન્યતાને પણ પડકારી હતી, અને દાવો કર્યો હતો કે તે તેમના માટે બંધનકર્તા નથી. તેમના મતે, રીલીઝ ડીડ ખોટી રીતે સૂચવે છે કે તેમણે પરિવારના વારસાના અધિકારનો ત્યાગ કર્યો હતો.
જોકે, સિવિલ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, અને નોંધ્યું હતું કે રીલીઝ ડીડ સબ-રજિસ્ટ્રાર, તેમના પતિ અને તેમના બે પુત્રોની હાજરીમાં સહી કરવામાં આવી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે તેણીને 2013માં તેમના પિતા દ્વારા અમલમાં મુકવામાં આવેલા વસિયતનામાની જાણ હતી. અંબાલિકાએ હવે આ આદેશને હાઇ કોર્ટ સમક્ષ પડકાર્યો હતો, જેણે માંધાતસિંહ જાડેજા, માનકુમારીદેવી જાડેજા, શાંતિદેવી જાડેજા અને ઉમાકુમારી જાડેજાને નોટિસ આપી હતી.
ઝાંસીમાં રહેતી અંબાલિકાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે 2019 માં તેમના પિતાના મૃત્યુ પછી રાજકોટની મુલાકાત દરમિયાન તેમને રીલીઝ ડીડના દસ્તાવેજ પર સહી કરાવવા માટે છેતરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમના ભાઈએ પરિવારના આશાપુરા માતાજી મંદિરના વહીવટ સંબંધિત કાનૂની ઔપચારિકતા તરીકે દસ્તાવેજ રજૂ કરીને તેમને ગેરમાર્ગે દોર્યા હતા.
અંબાલિકાએ વર્ષ 2013 ના વસિયતનામાને પણ પડકાર્યો છે, જેનો ઉપયોગ માંધાતસિંહે કથિત રીતે મહેસૂલ રેકોર્ડમાં એન્ટ્રીઓમાં ફેરફાર કરીને સંપૂર્ણ માલિકી મેળવવા માટે કર્યો હતો. તેઓ કહ્યું હતું કે વસિયતનામું નોંધણી વગરનું હતું અને ઘણી વિવાદિત મિલકતો પૂર્વજોની હતી – એટલે કે, તેમના પિતાને તેમને વસિયતનામામાં આપવાનો કોઈ કાનૂની અધિકાર નહોતો.
બીજી બાજુ, મંધાતસિંહના વકીલે સિવિલ કોર્ટને જણાવ્યું હતું કે અંબાલિકાએ તેમના પતિ અને પુત્રોની હાજરીમાં વસિયતનામાની શરતો હેઠળ 1.5 કરોડ રૂપિયા સ્વીકાર્યા હતા. વકીલે દલીલ કરી હતી કે તેમણે જે રિલિઝ ડીડ દસ્તાવેજ પર સહી કરી હતી તે નોંધાયેલ હતો અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનો પૂર્વજોની મિલકતો પર કોઈ દાવો નથી. કોર્ટે તારણ કાઢ્યું હતું કે, અંબાલિકા પ્રથમદર્શી રીતે રાહત આપતો કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. વિવાદિત મિલકતોમાં રૂ. ૩૦૦ કરોડનો રણજીત વિલાસ પેલેસ, રાજશ્રૃંગી ભવન, દરબાર ગઢ અને અન્ય મિલકતોનો સમાવેશ થાય છે જેની કુલ કિંમત રૂ. 1500 કરોડથી વધુ છે.